આદિત્ય નારાયણે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો
ફિલ્મમાં આલિયા ભટ્ટ
સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટે પોતાના શક્તિશાળી અભિનયથી બધાનાં દિલ જીતી લીધાં હતાં. આલિયા આ ફિલ્મમાં ભજવેલા ગંગુબાઈના પાત્ર માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો નૅશનલ અવૉર્ડ પણ જીતી હતી. જોકે હાલમાં એક ઇન્ટરવ્યુમાં આદિત્ય નારાયણે ખુલાસો કર્યો છે કે સંજય લીલા ભણસાલી એક તબક્કે આ ફિલ્મ આલિયા સાથે નહીં પણ રાની મુખરજી સાથે બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં આદિત્ય નારાયણે જણાવ્યું હતું કે ‘મારી ‘શાપિત’ ફ્લૉપ થઈ ગયા બાદ મારી પાસે જ્યારે કંઈ કામ નહોતું ત્યારે મેં સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. મારી પાસે બીજું કોઈ કામ નહોતું એટલે મેં કંઈક નવું શીખવાનું નક્કી કર્યું. હું ફિલ્મ-પ્રોડક્શન તરફ આકર્ષાયો, કારણ કે મને બાળપણથી જ સંગીત અને મ્યુઝિક-વિડિયો બનાવવામાં રસ હતો. સોનુ નિગમે મને સંજય લીલા ભણસાલીના અસિસ્ટન્ટ બનવાનો આઇડિયા આપ્યો. સંજય લીલા ભણસાલીએ મને તેમની ઑફિસે આવવાનું કહ્યું. જોકે પહેલા અઠવાડિયે તેમણે મને કોઈ કામ આપ્યું નહીં, કારણ કે તેમને ખાતરી હતી કે હું ટૂંક સમયમાં હાર માની લઈશ. એક અઠવાડિયા પછી તેમણે મને ધીમે-ધીમે કામ આપવાનું શરૂ કર્યું. એ સમયે તેમની પાસે ‘રામલીલા’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ એમ બે સ્ક્રિપ્ટ હતી. મને ખ્યાલ છે કે તેઓ એ સમયે રાની મુખજીને લીડ રોલમાં લઈને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ બનાવવાનું વિચારી રહ્યા હતા, પણ પછી તેમણે ‘રામલીલા’ બનાવવાનું ફાઇનલ કર્યું.’


