‘મખ્ખી’માં ભજવેલા પાત્રને કારણે સૌકોઈ તેને ઓળખવા માંડ્યા હતા.

તેલુગુ સ્ટાર નાની
તેલુગુ સ્ટાર નાનીનું માનવું છે કે એન્ટરટેઇનમેન્ટ જગતમાં ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલી જેવો મોટો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર કોઈ ન હોઈ શકે. રાજામૌલીની ૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘મખ્ખી’માં નાનીએ કામ કર્યું હતું. એ ફિલ્મમાં તે પોતાwના મર્ડરનો બદલો લેવા માટે માખી તરીકે જન્મ લે છે. રાજામૌલીની પ્રશંસા કરતાં નાનીએ કહ્યું કે ‘તેમનું વિઝન મોટી સ્ક્રીનના એન્ટરટેઇનમેન્ટ માટેનું છે. તેમના જેવો એન્ટરટેઇનમેન્ટ આપનારો અન્ય કોઈ સિનેમાનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર ન હોઈ શકે. થિયેટરમાં તેમની ફિલ્મ જોવાનો જે અનુભવ છે એના માટે સૌએ તેમનો આભાર માનવો જોઈએ, કારણ કે તેઓ મોટી સ્ક્રીનના એન્ટરટેઇનમેન્ટ પર ભરોસો રાખે છે.’
એસ. એસ. રાજામૌલીની ‘RRR’ના ‘નાટુ નાટુ’ ગીતે બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો ઑસ્કર અવૉર્ડ જીતી લીધો છે. એ વિશે જણાવતાં નાનીએ કહ્યું કે ‘તેમની ફિલ્મે ભાષા, દેશની સીમાને પાર કરી દીધી છે. સાથે જ તેમની ફિલ્મો જોનારા દર્શકોની સંખ્યા ઓછી નથી. મલ્ટિપ્લેક્સ, સિંગલ સ્ક્રીનના દર્શકો તેમની ફિલ્મ જોવા થિયેટરમાં ધસી આવે છે. દર્શકોને શું પસંદ છે એ સમજવા માટેની તેમનામાં જે સમજ છે એ અલગ લેવલની છે.’
‘મખ્ખી’માં ભજવેલા પાત્રને કારણે સૌકોઈ તેને ઓળખવા માંડ્યા હતા. એ ફિલ્મ તામિલ અને તેલુગુમાં ‘ઈગા’ નામે રિલીઝ થઈ હતી. એ વિશે નાનીએ કહ્યું કે ‘તેલુગુ રાજ્યની બહાર મને લોકો ‘ઈગા’ને કારણે ઓળખતા થયા હતા. એ શરૂઆત હતી કે લોકો મને ઓળખવા માંડ્યા હતા. ‘મખ્ખી’ને કારણે પહેલી વખત લોકોએ મારા વિશે સાંભળ્યું હતું અથવા મને જાણતા થયા હતા. એથી એ રીતે રાજામૌલી સાથે મારા સંબંધોની શરૂઆત થઈ હતી.’