નિવૃત્તિ પછી અરિજિત આ ફિલ્મના નિર્માણ પર ધ્યાન આપવા માગતો હોવાની ચર્ચા
અરિજિત સિંહ હવે ફિલ્મ બનાવશે, દીકરો અને નવાઝુદ્દીન સિદ્દીકીની દીકરી ચમકશે લીડ રોલમાં
હાલમાં અરિજિત સિંહે પ્લેબૅક સિન્ગિંગથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરતાં તેના ફૅન્સને ભારે આંચકો લાગ્યો છે. જોકે ચર્ચા છે કે અરિજિત સંગીતની દુનિયા બાદ હવે ફિલ્મમેકિંગ તરફ પણ આગળ વધી રહ્યો છે. અરિજિતે ફિલ્મોની દુનિયામાં પગલું મૂકી દીધું છે અને એની શરૂઆત પણ થઈ ચૂકી છે.
અરિજિત સિંહ હવે ડિરેક્શન અને પ્રોડક્શન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. રિપોર્ટ પ્રમાણે અરિજિતની આવનારી ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની ૧૫ વર્ષની પુત્રી શોરા અને અરિજિતનો દીકરો લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ એક જંગલ ઍડ્વેન્ચર પર આધારિત હશે, જેને અરિજિત અને તેની પત્ની કોયલ સિંહે પ્રોડ્યુસર મહાવીર જૈન સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ શાંતિનિકેતનમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી નાનકડા રોલમાં નજર આવશે. અરિજિતની પત્ની કોયલ સિંહે ફિલ્મનો સ્ક્રીનપ્લે લખ્યો છે અને તેઓ આ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત છે. મળતી માહિતી પ્રમાણે પૅન ઇન્ડિયા રિલીઝ પહેલાં ફિલ્મને અનેક ફિલ્મ-ફેસ્ટિવલ્સમાં રજૂ કરવામાં આવશે.
અરિજિત પોતાની પર્સનલ લાઇફ વિશે હંમેશાં ખૂબ પ્રાઇવેટ રહ્યો છે. તેણે ક્યારેય પરિવાર કે બાળકો વિશે જાહેરમાં ખાસ વાત કરી નથી. અરિજિતે ૨૦૧૪માં પોતાની બાળપણની મિત્ર કોયલ રૉય સાથે લગ્ન કર્યાં હતાં. કોયલને અગાઉનાં લગ્નથી એક દીકરી છે તથા અરિજિત અને કોયલના બે દીકરાઓ છે. જોકે હાલમાં અરિજિતનો કયો દીકરો ઍક્ટિંગમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે એની ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.
અરિજિત સિંહની નેટવર્થ છે ૪૧૪ કરોડ રૂપિયા
ADVERTISEMENT
અરિજિત સિંહની ગણતરી લોકપ્રિય ગાયક તરીકે થાય છે, પણ જાહેરમાં તે મોટા ભાગે સાદાં વસ્ત્રો અને ઘણી વખત પગમાં ચંપલ સાથે જોવા મળે છે. જોકે રિપોર્ટ મુજબ અરિજિત સિંહની કુલ નેટવર્થ આશરે ૪૧૪ કરોડ રૂપિયા છે. એમાં નવી મુંબઈમાં આવેલું લગભગ ૮ કરોડ રૂપિયાનું ઘર અને ૩.૪ કરોડ રૂપિયાની લક્ઝરી કાર્સ પણ સામેલ છે. અરિજિતનો ચાર્જ એક પ્લેબૅક ગીત માટે અંદાજે ૧૦થી ૨૦ લાખ રૂપિયા છે. અરિજિતની આવક માત્ર ગીતોથી જ નથી થતી. તેનો પોતાનો મ્યુઝિક-સ્ટુડિયો પણ છે જેનું નામ ઓરિયન મ્યુઝિક છે. આ સિવાય તે યુટ્યુબ, સ્પૉટિફાય, ગાના જેવાં અનેક ડિજિટલ પ્લૅટફૉર્મ્સ પરથી પણ કરોડો રૂપિયાની રેવન્યુ મેળવે છે.
અરિજિત દેશ-વિદેશમાં અનેક લાઇવ કૉન્સર્ટ કરે છે. રિપોર્ટ પ્રમાણે આના માટે તે માત્ર બે કલાકના શો માટે ૧૪ કરોડ રૂપિયા સુધીની ફી લે છે. આ સિવાય નાના અથવા પ્રાઇવેટ શોઝ માટે તે લગભગ બે કરોડ રૂપિયા ચાર્જ કરે છે.


