પીઢ અભિનેત્રી છેલ્લા એક વર્ષથી બીમાર હતા, પુણેની હૉસ્પિટલમાં થયું મૃત્યુ
ઉત્તરા બાવકર
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને જાણીતતા ફિલ્મ-થિયેટર અભિનેત્રી ઉત્તરા બાવકર (Uttara Baokar)નું લાંબી માંદગી બાદ મહારાષ્ટ્ર (Maharashta)ના પુણે (Pune) શહેરમાં નિધન થયું છે. તેમના પરિવારના નજીકના સૂત્રોએ પીઢ અભિનેત્રીના નિધનની પુષ્ટિ કરી છે. તેઓ ૭૯ વર્ષના હતા.
ઉત્તરા બાવકર લગભગ છેલ્લા એક વર્ષથી બીમાર હતા. મંગળવારે પુણેની એક ખાનગી હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે સવારે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પીઢ અભિનેત્રી ઉત્તરા બાવકર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (National School of Drama - NSD) દિલ્હી (Delhi)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. તેઓ ઈબ્રાહિમ અલ્કાઝી (Ebrahim Alkazi) હેઠળ વર્ષ ૧૯૬૮માં સ્નાતક થયા હતા. નાટક, ફિલ્મ અને ટેલિવિઝન એમ ત્રણેય ક્ષેત્રે તેમનું યોગદાન રહ્યું છે.
ઉત્તરા બાવકરે અનેક નોંધપાત્ર નાટકોમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતાં. `મુખ્યમંત્રી`માં પદ્માવતી, `મીના ગુર્જરી`માં મીના, શેક્સપિયરની `ઓથેલો`માં ડેસ્ડેમોના અને નાટ્યકાર ગિરીશ કર્નાડના નાટક `તુગલક`માં માતા ઉપરાંત વિવિધ લોકપ્રિય નાટકોમાં યાદગાર પાત્રો ભજવ્યા છે.
આ પણ જુઓ – યુવાન વયે મોતને ભેટેલી અભિનેત્રીઓ
ગોવિંદ નિહલાનીની ફિલ્મ `તમસ`માં અભિનય બાદ ઉત્તરા બાવકર લોકપ્રિય થયા હતા. તેમણે સુમિત્રા ભાવેની ફીચર ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેમણે મૃણાલ સેનની `એક દિન અચાનક` માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. આ સિવાય તેમણે કુસુમ કુમાર દ્વારા હિન્દી અનુવાદમાં જયવંત દળવીના નાટક `સંધ્યા છાયા`નું નિર્દેશન પણ કર્યું હતું. તેમણે સદાશિવ અમરાપુરકર અને રેણુકા દફ્તરદાર સાથે `દોગી`, `ઉત્તરાયણ`, `શેવરી` અને `રેસ્ટોરન્ટ` વગેરે મરાઠી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેઓ ફિલ્મ `આજા નચલે`માં માધુરી દીક્ષિતની માતાની નાની ભૂમિકામાં પણ જોવા મળ્યા હતા અને હિટ ગીત `ઓરે પિયા`માં નાનકડી ભૂમિકા ભજવી હતી.
આ પણ જુઓ – મનોહર પાર્રિકરથી સંજય ગાંધી સુધીઃભારતના આ નેતાઓનું કરિયર મૃત્યુએ સમાપ્ત કર્યું
ટેલિવિઝનમાં પણ ઉત્તરા બાવકરે ઘણું કામ કર્યું છે. ‘ઉડાન’, ‘અંતરાલ’, ‘એક્સ ઝોન’, ‘રિશ્તે કોરા કાગઝ’, ‘નજરાના’, ‘જસ્સી જૈસી કોઈ નહીં’, ‘કશ્મકશ જિંદગી કી’ અને ‘જબ્બ લવ હુઆ’ જેવા ટીવી શોમાં કામ કર્યું હતું.


