તેમને ‘નાના’ની ઓળખ મળી એની પાછળ એક હૃદયસ્પર્શી કારણ છુપાયેલું છે
નાના પાટેકરનો જન્મ ૧૯૫૧ની પહેલી જાન્યુઆરીએ મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં આવેલા મુરુડ-જંજીરામાં થયો હતો
બૉલીવુડ અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરને દુનિયા ‘નાના’ના નામથી જ ઓળખે છે. તેમની દમદાર ઍક્ટિંગ, ધારદાર સંવાદ અને સાદગીભર્યા જીવનએ તેમને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એક અનોખી ઓળખ અપાવી છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે તેમનું મૂળ નાથ વિશ્વનાથ પાટેકર છે અને તેમને ‘નાના’ની ઓળખ મળી એની પાછળ એક હૃદયસ્પર્શી કારણ છુપાયેલું છે.
નાના પાટેકરનો જન્મ ૧૯૫૧ની પહેલી જાન્યુઆરીએ મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં આવેલા મુરુડ-જંજીરામાં થયો હતો. તેમનું અસલી નામ વિશ્વનાથ પાટેકર છે. દુનિયા તેમને નાના પાટેકરના નામથી કેમ ઓળખે છે એનો ખુદ નાનાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘મારી માતાની એક સહેલી હતી, જે બિલકુલ બહેન જેવી હતી. બાળપણમાં તે મને ‘નાના-નાના’ કહીને બોલાવતી હતી. બસ, ત્યાંથી જ મારું નામ નાના પાટેકર પડી ગયું. સારું નામ છે. પાસપોર્ટ, આધાર કાર્ડ અને દરેક દસ્તાવેજ પર આ જ નામ છે.’
ADVERTISEMENT
આ સરળ પણ ઇમોશનલ કારણને કારણે તેમની વિશ્વનાથની ઓળખ જ બદલાઈ ગઈ. જોકે સ્કૂલમાં નાનાને વિશ્વનાથ અથવા ‘વિશુ’ કહીને બોલાવવામાં આવતા હતા. સમયની સાથે ‘નાના’ નામ એટલું પ્રચલિત થઈ ગયું કે તેમણે પોતાનું જૂનું નામ પાછળ છોડીને આ નામને જ અપનાવી લીધું અને તેમના તમામ સત્તાવાર દસ્તાવેજો એટલે કે પાસપોર્ટ, આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો પર ‘નાના’ નામ જ લખાયેલું છે.
