કંગના રનૌત અને રૂપાલી ગાંગુલી પછી મુકેશ ખન્નાએ પણ કરી જયા બચ્ચનના વર્તનની ટીકા
જયા બચ્ચન, મુકેશ ખન્ના
જયા બચ્ચનના વર્તન વિશે કંગના રનૌત અને રૂપાલી ગાંગુલી પછી મુકેશ ખન્નાની પણ પ્રતિક્રિયા આવી છે.
મુકેશ ખન્નાએ એક ઇન્ટરવ્યુમાં જયા બચ્ચનના વર્તનની ટીકા કરતાં કહ્યું હતું કે ‘આજકાલ તેમનું પત્રકારો સાથેનું વર્તન વિચિત્ર છે. એય શું કરે છે તું, કોણ છે, શું જોઈએ છે? આ રીતે વાત કરવાનું ખોટું છે. તમે આ લોકો માટે જ જીવો છો અને આજકાલ રાજ્યસભામાં તેઓ જે બોલે છે ત્યારે એવું લાગે છે કે તેઓ સતત ગુસ્સામાં રહે છે. ઘરમાં પણ તેમને કંઈક... પરિવારના લોકો જ મને કહે છે. એવું લાગે છે કે વડા પ્રધાનની વિરુદ્ધ બોલવું છે એટલે આવું બધું બોલે છે. એવી-એવી દલીલો કરે છે જે મને બિલકુલ યોગ્ય નથી લાગતી. તેમના આવા વર્તન પાછળ કંઈક કારણ તો છે જ, પણ મને એની ખબર નથી.’
ADVERTISEMENT
અશોક પંડિતની ટિપ્પણી
ફિલ્મમેકર અને ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝના ચીફ ઍડ્વાઇઝર અશોક પંડિતે પણ જયા બચ્ચનના વર્તનની ટીકા કરતાં એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું ‘જે લોકોએ તેમને પોતાની સેવા માટે પસંદ કર્યાં છે તેમના પ્રત્યે અપમાનજનક વર્તન કરવું અત્યંત નિંદનીય છે. એક લોકસેવક ૨૪ કલાક ગુસ્સામાં અને ચિડાયેલો રહી ન શકે. તેમના જેવી ક્ષમતા ધરાવતા કલાકાર પાસેથી નમ્રતા અને કરુણાની અપેક્ષા રાખવામાં આવે છે.’
શું છે મામલો?
હાલમાં જયા બચ્ચનનો એક વિડિયો જોવા મળ્યો હતો, જેમાં દિલ્હીની કૉન્સ્ટિટ્યુશન ક્લબની બહાર એક વ્યક્તિએ તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રાયસ કરતાં તેઓ ગુસ્સે ભરાયાં હતાં. એ પછી તેમણે એ વ્યક્તિને જોરથી ધક્કો મારી દીધો હતો અને તેના પર ચિડાઈને બૂમાબૂમ કરવા માંડ્યાં હતાં. આ વિડિયો વાઇરલ થતાં જયા બચ્ચનની સોશ્યલ મીડિયા પર જોરદાર ટીકા થઈ હતી. આ ઘટનાને પગલે કંગનાએ તેમને બગડેલ મહિલા કહ્યાં હતાં અને રૂપાલી ગાંગુલીએ કહ્યું હતું કે જયાજી પાસેથી હું ઍક્ટિંગ શીખી છું પણ તેમનું આવું વર્તન હું ન શીખું તો સારું.


