આ ફિલ્મ ૨૯ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે.

કાર્તિક આર્યન
કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના એક ગીત પાછળ સાત કરોડનો ખર્ચ કરાયો હોવાની ચર્ચા છે. આ એક લગ્નની સીક્વન્સ છે અને એમાં ચાર રીતરિવાજથી લગ્ન દેખાડવામાં આવ્યાં છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી પણ જોવા મળશે. આ ફિલ્મ ૨૯ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ અને સમીર વિધ્વંસે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કાર્તિકનું પાત્ર સત્યપ્રેમ તેનાં લગ્નનાં સપનાં જુએ છે. સપનામાં તે જુએ છે કે તેનાં લગ્ન ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ક્રિશ્ચન અને મુસ્લિમ પ્રથા પ્રમાણે થાય છે. એના માટે ગયા અઠવાડિયે મુંબઈમાં ભવ્ય સેટ ઊભો કરવામાં આવ્યો છે. મઢ આઇલૅન્ડમાં સાઉથ ઇન્ડિયન અને ક્રિશ્ચન લગ્નનો સેટ બનાવવામાં આવ્યો છે તો મલાડના વૃંદાવન સ્ટુડિયોમાં ગુજરાતી અને મુસ્લિમ રીતરિવાજ પ્રમાણે લગ્ન કરવા માટેનો સેટ ઊભો કરાયો છે. સાઉથ ઇન્ડિયન લગ્ન માટે ભવ્ય મંદિરનો સેટ બનાવાયો છે. મુસ્લિમ લગ્ન માટે બૅન્ક્વેટ હૉલ બનાવાયો છે. ક્રિશ્ચન માટે ગ્રીસના સૅન્ટોરિની જેવો દ્વીપનો સેટ બનાવાયો છે અને ગુજરાતી લગ્ન માટે મોહલ્લો બનાવવામાં આવ્યો છે. આ અલગ-અલગ સેટ ઊભા કરવામાં લગભગ સાત કરોડનો ખર્ચ આંકવામાં આવ્યો છે. કાર્તિક આ ગીત માટે ખૂબ ઉત્સુક છે. આ ગીતને બૉસ્કો માર્ટિસે કોરિયોગ્રાફ કર્યું છે. એવું જાણવા મળ્યું છે કે કાર્તિકે આ ગીતને આવી રીતે બનાવવા માટે ભાર મૂક્યો હતો.