એક કૉન્સર્ટમાં આવું કહીને ચાહકોને ભાવુક કરી દીધા લકી અલીએ, કહ્યું કે દફનવિધિનું કાપડ ‘એહરામ’ હું દરેક પ્રવાસમાં સાથે જ રાખું છું
લકી અલી
બૉલીવુડના જાણીતા અને ૯૦ના દાયકાના પ્રખ્યાત ઇન્ડિપેન્ડન્ટ ગાયક લકી અલીએ તાજેતરની એક લાઇવ કૉન્સર્ટ દરમ્યાન આપેલા નિવેદને દેશભરમાં તેમના ચાહકોને અત્યંત ભાવુક કરી દીધા છે. કૉન્સર્ટ દરમ્યાન પ્રેક્ષકો તરફથી મળેલા અપાર પ્રેમનો પ્રતિસાદ આપતી વખતે ૬૭ વર્ષના લકી અલી ભાવુક થઈ ગયા હતા અને જીવન તથા મૃત્યુની સનાતન વાસ્તવિકતા વિશે વાત કરી હતી.
લાઇવ શો દરમ્યાન ૬૭ વર્ષના લકી અલીએ સ્ટેજ પરથી ચાહકોને સંબોધતાં કહ્યું હતું કે ‘હું પણ તમને બધાને ખૂબ પ્રેમ કરું છું. એક દિવસ આપણે બધાએ આ દુનિયા છોડીને જવાનું જ છે. હું તમને એના માટે તૈયાર નથી કરી રહ્યો, પરંતુ હું પોતે એના માટે સંપૂર્ણપણે તૈયાર છું અને ક્યાંય પણ પ્રવાસ કરું ત્યારે મારી સાથે ઇસ્લામિક પરંપરા મુજબ દફનવિધિ માટેનું કપડું ‘એહરામ’ સાથે જ રાખું છું. જહાં ભી મર જાઉં, વહીં ગાડ દો મુઝે.’
લકી અલીના આ સંવેદનશીલ શબ્દો સાંભળીને કૉન્સર્ટમાં હાજર ચાહકોની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી. લકી અલીએ આ વિડિયો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યા બાદ ઇન્ટરનેટ પર ચાહકોની પ્રતિક્રિયાઓનું ઘોડાપૂર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે લકી અલી દિગ્ગજ અભિનેતા અને કૉમેડિયન મેહમૂદના પુત્ર છે. તેમણે ૯૦ના દાયકામાં ‘ઓ સનમ’, ‘દેખા હૈ ઐસે ભી’, ‘તેરે મેરે સાથ જો હોતા હૈ’ જેવાં ખ્યાતનામ પૉપ આલબમ્સથી સંગીતજગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. આ ઉપરાંત તેમણે ‘કહો ના પ્યાર હૈ...‘, ‘તમાશા’, ‘અંજાના અંજાની’, ‘સુર’ અને ‘યુવા’ જેવી બૉલીવુડની ફિલ્મોમાં પણ યાદગાર ગીતો ગાયાં છે.
એહરામ એટલે શું?
ADVERTISEMENT
એહરામ એટલે ચાદર જેવા બે સફેદ કાપડનો સેટ હોય છે જે મુસ્લિમો હજ અને ઉમરા જેવી ધાર્મિક યાત્રા દરમ્યાન પહેરે છે. આ બે કાપડમાંથી એક કમર પર વીંટવાનું હોય છે અને બીજું ખભે પહેરવાનું હોય છે. જે મુસ્લિમો હજ કે ઉમરા કરી આવ્યા હોય તેમની દફનવિધિ આ કાપડમાં કરવામાં આવે છે.
