પિતા બોની કપૂર આ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે
ખુશી કપૂર
ટોચની ઍક્ટ્રેસ શ્રીદેવીની છેલ્લી ફિલ્મ ‘મૉમ’ની સીક્વલ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે અને આ ફિલ્મમાં શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર જોવા મળી શકે છે. હાલમાં યોજાયેલા આઇફા અવૉર્ડ્સમાં બોની કપૂરે કહ્યું હતું કે ‘મને આશા છે કે મારી બન્ને દીકરીઓ પોતાની માતાની જેમ સફળ થશે. હું ‘નો એન્ટ્રી’ની સીક્વલ પછી ખુશી સાથે ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યો છું. આ ફિલ્મ ‘મૉમ 2’ પણ હોઈ શકે છે. ખુશી પોતાની માતાના પગલે-પગલે ચાલવાની કોશિશ કરી રહી છે.’
૨૦૧૭માં રિલીઝ થયેલી ‘મૉમ’ શ્રીદેવીની અંતિમ ફિલ્મ હતી. આ ફિલ્મને બોની કપૂરે પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં શાનદાર અભિનય માટે શ્રીદેવીને મરણોત્તર શ્રેષ્ઠ અભિનેત્રીનો નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો.
ADVERTISEMENT
ખુશી કપૂરની વાત કરીએ તો તેણે ૨૦૨૩ની ફિલ્મ ‘ધી આર્ચીઝ’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ વર્ષે તેની ફિલ્મ ‘લવયાપા’ થિયેટરમાં રિલીઝ થઈ હતી, જેમાં આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન પણ હતો. તાજેતરમાં ખુશી કપૂરની ફિલ્મ ‘નાદાનિયાં’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ અલી ખાન જોવો મળ્યો છે.

