કરિશ્મા કપૂરે કહ્યું કે હવે કામ માત્ર કમાણી માટે નહીં પરંતુ જુસ્સા અને હેતુ સાથે જોડાયેલું છે
હું હવે એવા જ પ્રોજેક્ટ કરું છું જે મારા દિલને સ્પર્શે છે
કરિશ્મા કપૂર લાંબા સમયથી મોટા પડદા પરથી દૂર છે અને હવે તે પસંદગીના પ્રોજેક્ટ્સ પર જ કામ કરવા માગે છે. હાલમાં કરિશ્માએ પોતાની કરીઅર અને કામ પ્રત્યેના જુસ્સા વિશે ખુલાસો કર્યો. પોતાના ભવિષ્યના આયોજન વિશે વાત કરતાં કરિશ્માએ કહ્યું હતું કે ‘હું દાયકાઓથી ઇન્ડસ્ટ્રીને નજીકથી જોતી આવી છું. હવે કામ માત્ર કમાણી માટે નહીં પરંતુ જુસ્સા અને હેતુ સાથે જોડાયેલું છે. હું ઇન્ડસ્ટ્રીમાં જ મોટી થઈ છું અને મને કમર્શિયલ બ્લૉકબસ્ટરથી લઈને પ્રયોગાત્મક ફિલ્મો સુધી વિવિધ પ્રકારના રોલ કરવાનો મોકો મળ્યો છે. જોકે હવે દરેક પ્રોજેક્ટ સ્વીકારવાને બદલે હું એવો જ પ્રોજેક્ટ પસંદ કરું છું જે મારા દિલને સ્પર્શે છે. હવે મારા માટે સમય સૌથી મહત્ત્વપૂર્ણ બની ગયો છે. પહેલાં હું સતત કામ કરતી અને એક સેટથી બીજા સેટ સુધી દોડધામ કરતી હતી, પરંતુ હવે હું સંતુલન જાળવવા ઇચ્છું છું. જોકે મોટા પડદાનું પોતાનું એક અલગ જ આકર્ષણ છે. મેં મારી કરીઅરની શરૂઆત પણ ત્યાંથી કરી હતી અને એ હંમેશાં મારા દિલમાં ખાસ સ્થાન ધરાવશે.’
