શર્મિલા ટાગોરે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ને લઈને કરેલી ટિપ્પણી બાદ કંગના રનૌતે આપી આવી પ્રતિક્રિયા
કંગના રનૌત અને શર્મિલા ટાગોર
હાલમાં શર્મિલા ટાગોરે ‘વંદે માતરમ્’ની કેટલીક પંક્તિઓ સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ભારતમાં ઘણા ધર્મ અને મઝહબના લોકો રહે છે જેઓ એક ભગવાનમાં વિશ્વાસ રાખે છે, અનેક ભગવાનમાં નહીં. ‘વંદે માતરમ્’ના જે છંદ છે એમાં અનેક ભગવાનની વંદના કરવામાં આવે છે.’
હવે કંગના રનૌતે આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે શર્મિલાનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું કે ‘હું આ વાતની પ્રશંસા કરું છું કે શર્મિલાજીએ ‘વંદે માતરમ્’ને લઈને પોતાની આપત્તિ વ્યક્ત કરી છે, પણ એક કલાકાર તરીકે મને આશ્ચર્ય થાય છે કે કલા અથવા કવિતાને લઈને તેમની વિચારસરણી આટલી મર્યાદિત અને બનાવટી કેવી રીતે હોઈ શકે. કોઈ પણ કવિતા કે ગીતમાં શબ્દો રૂપક હોય છે. કવિ કે કલાકાર પોતાની ઇચ્છા મુજબની અસર ઊભી કરવા માટે વિવિધ કલ્પનાઓ અને અદ્ભુત ઉપમાઓનો ઉપયોગ કરે છે. ‘વંદે માતરમ્’ આઝાદીની લડાઈની ભાવના છે. બંકિમચંદ્રજી દેશને પોતાની અંદરની શક્તિને જગાડવા માટે પ્રેરિત કરી રહ્યા હતા. તમે કલાની આટલી મહાન રચનાને માત્ર એક ધાર્મિક વિધિ સુધી કેવી રીતે મર્યાદિત કરી શકો? વિવેકાનંદે કહ્યું હતું કે મને એવા યુવાનોની જરૂર છે જે લોખંડ જેવા મજબૂત હોય, જેમનાં હાડકાં સ્ટીલનાં હોય અને જેમની નસોમાં વજ્ર દોડતું હોય. તેઓ હવામાનની આગાહી કરી રહ્યા નહોતા, તેઓ તો માત્ર શક્તિના ઉદયની માગ કરી રહ્યા હતા. પ્લીઝ, હિન્દુ-મુસ્લિમ માઇન્ડસેટથી બહાર આવો. ભલે આપણે એક ઈશ્વરમાં વિશ્વાસ રાખતા હોઈએ, ડૉક્ટરો પણ શક્તિને શક્તિ જ કહે છે. ચાલો, એકબીજાને પોતાના સમજીને ગળે મળીએ. મને તમે બહુ પસંદ છો અને તમારી એ જોરદાર જપ્પી પણ મને બહુ ગમે છે, જે તમે હંમેશાં મને આપો છો.’
