કબીર સિંહની સફળતાથી રાતોરાત સમીકરણ બદલાઈ ગયાં હતાં
`કબીર સિંહ`માં શાહિદ કપૂર
શાહિદ કપૂરે ૨૦૦૩માં ‘ઇશ્ક વિશ્ક’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને આજે તેની ગણતરી સુપરસ્ટાર તરીકે થાય છે. જોકે આ મુકામ સુધી પહોંચવા માટે શાહિદે ઘણી મહેનત કરવી પડી હતી. શાહિદની કરીઅરમાં એક એવો સમય પણ આવ્યો હતો જ્યારે તેની ફિલ્મો ફ્લૉપ અને ઍવરેજથી આગળ વધી શકતી નહોતી. ૨૦૦૭માં રિલીઝ થયેલી તેની ‘જબ વી મેટ’ સુપર-ડુપર હિટ રહી હતી, પરંતુ એ પછી લગભગ ૧૨ વર્ષની રાહ જોયા બાદ તેને ૨૦૧૯માં રિલીઝ થયેલી ‘કબીર સિંહ’થી ફરી જબરદસ્ત હિટનો જૅકપૉટ મળ્યો. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે આ રોલ પહેલાં રણવીર સિંહને ઑફર થયો હતો અને તેના ઇનકાર પછી આ રોલ માટે શાહિદને સાઇન કરવામાં આવ્યો હતો.
‘કબીર સિંહ’ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ૨૦૧૭માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની રીમેક હતી. આ ફિલ્મે ખૂબ જ બમ્પર કમાણી કરી. શાહિદ કપૂરે એની સાથે જબરદસ્ત કમબૅક કર્યું અને તે રાતોરાત સુપરસ્ટાર બની ગયો.
ADVERTISEMENT
સંદીપ રેડ્ડી વાંગાએ એક ઇન્ટરવ્યુ દરમ્યાન આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેઓ પહેલાં આ ફિલ્મની ઑફર લઈને રણવીર સિંહ પાસે ગયા હતા, પરંતુ રણવીરે આ ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી. સંદીપના જણાવ્યા મુજબ આ પાત્ર ખૂબ જ ડાર્ક હતું અને આ જ કારણે રણવીરે ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો. રણવીરની ના પછી તેમણે શાહિદ કપૂરનો સંપર્ક કર્યો અને શાહિદની તો જાણે લૉટરી લાગી ગઈ.

