પહેલી ફિલ્મ ‘ધડક’ની રિલીઝ પછી ભારે ડિપ્રેશનમાં સરી પડી હોવાનો જાહ્નવી કપૂરનો એકરાર
જાહ્નવી કપૂર
શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરે બૉલીવુડમાં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ‘ધડક’થી કરી હતી. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને જાહ્નવી મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મ સાથે એનાં ગીતો પણ ખૂબ હિટ રહ્યાં હતાં. આ ફિલ્મની રિલીઝ જાહ્નવીની મમ્મી શ્રીદેવીના નિધનના થોડા મહિનાઓ પછી જ થઈ હતી. હાલમાં એક ઇન્ટરવ્યુમાં જાહ્નવીએ એકરાર કર્યો છે કે પહેલી ફિલ્મ ‘ધડક’ની રિલીઝ પછી તે ભારે ડિપ્રેશનમાં સરી પડી હતી.
જાહ્નવીએ પહેલી ફિલ્મની રિલીઝ પછી પોતાની માનસિક સ્થિતિ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ધડક’ રિલીઝ થયા પછી હું ખૂબ ઉદાસ થઈ ગઈ હતી. મને લાગતું હતું કે લોકો મને પસંદ કરતા નથી અને મારી કરીઅર સમાપ્ત થઈ ગઈ છે. આ ફિલ્મ પછી હું ભારે ડિપ્રેશનમાં સરી પડી હતી. મને લાગતું હતું કે બધાને હું નાપસંદ છું. મને જીવનમાં મારી મમ્મીથી ઘણો સપોર્ટ મળતો હતો. જ્યારે તે નહોતી રહી ત્યારે મેં વિચાર્યું કે હવે બધું દર્શકો પર છોડી દઉં. હું ઇચ્છતી હતી કે બધા મને પસંદ કરે, પરંતુ એવું થયું નહીં. હું માત્ર નકારાત્મક વાતો પર ધ્યાન આપતી રહી. મને લાગતું હતું કે હું મને મળેલી તકો માટે યોગ્ય નહોતી. મને લાગતું હતું કે મને બધું સહેલાઈથી મળી ગયું છે, કારણ કે મારાં મમ્મી-પપ્પા મોટાં સ્ટાર હતાં. મને અભિનય પ્રત્યે ખૂબ પ્રેમ છે અને હું એના માટે જ જીવું છું, પણ શરૂઆતમાં મને મારી આ લાગણીનો એહસાસ નહોતો.’
