દિવ્યા ખોસલા કુમારને ફિલ્મમેકર બનવું એ સરળ નથી લાગી રહ્યું

દિવ્યા ખોસલા કુમાર
દિવ્યા ખોસલા કુમારનું કહેવું છે કે ફિલ્મમેકર બનવું સરળ નથી હોતું. તેણે ૨૦૧૪માં આવેલી ‘યારિયાં’ ડિરેક્ટ કરી હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે બૉલીવુડમાં ફીમેલ ફિલ્મમેકર માટે કામ સરળ છે? એનો જવાબ આપતાં દિવ્યાએ કહ્યું હતું કે ‘કંઈ પણ સહેલું નથી હોતું. તમે પુરુષ હો કે સ્ત્રી હો એનાથી કોઈ ફરક નથી પડતો. પડકારો તો આવ્યા જ કરે છે. એને ખૂબ નમ્રતાથી હૅન્ડલ કરવા પડે છે. મેં જ્યારે મારી પહેલી ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં’ કરી તો સેટ્સ પર ખૂબ ઓછી મહિલાઓ જોવા મળતી હતી. હવે હું જ્યારે ‘સત્યમેવ જયતે 2’નું શૂટિંગ કરું છું તો મહિલાઓની ટીમને હું કૅમેરા હૅન્ડલ કરતી, કૉસ્ચ્યુમ ટીમ અને ડિરેક્શન ટીમમાં પણ જોઉં છું. એ જોઈને મને ખૂબ ગર્વ થાય છે. ફિલ્મમેકર બનવું સહેલું નથી, પરંતુ એને મારા જેન્ડર સાથે કંઈ લેવા-દેવા નથી. મારી સાથે સન્માનપૂર્વક વર્તન કરવામાં આવે છે.’