વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ ‘ધ વૅક્સિન વૉર’ની ક્યાંય ચર્ચા ન થવાથી તેમણે રોષ વ્યક્ત કર્યો છે. ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે

ફાઇલ તસવીર
વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ ‘ધ વૅક્સિન વૉર’ની ક્યાંય ચર્ચા ન થવાથી તેમણે રોષ વ્યક્ત કર્યો છે. ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. આ મહિને રિલીઝ થનારી ફિલ્મોનું લિસ્ટ એક ટ્રેડ ઍનૅલિસ્ટે વિવેકને મોકલ્યું હતું. એ વિશે વિવેકે કહ્યું કે ‘આગામી રિલીઝ થનારી ફિલ્મોના લિસ્ટ પર નજર નાખશો તો જાણ થશે કે કોઈ ન્યુઝ ચૅનલ્સ અને ન્યુઝપેપર્સે અમારી ફિલ્મ ‘ધ વૅક્સિન વૉર’નો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. છેલ્લા નવ મહિનાથી લોકો જાણે છે કે અમે ‘ધ વૅક્સિન વૉર’ બનાવી રહ્યા છીએ. એક પ્રસિદ્ધ ટ્રેડ ઍનેલિસ્ટે મને આ મહિને રિલીઝ થનારી ફિલ્મોનું લિસ્ટ મોકલ્યું અને સાથે જ એમાં ઉલ્લેખ કર્યો છે કે એક મોટી ફિલ્મ પણ ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. એ લિસ્ટમાં અમારી ફિલ્મનું નામ પણ ઉમેરવામાં નથી આવ્યું, જાણે કે અમારું કોઈ અસ્તિત્વ જ ન હોય. જો અમારું કોઈ અસ્તિત્વ ન હોય તો કોઈ અમારી ફિલ્મને ફાઇનૅન્સ કેવી રીતે કરશે? આવી સ્થિતિમાં અમારે જાતે જ કૂવો ખોદીને પાણી કાઢવું પડે છે.’
નસીરુદ્દીન શાહને આતંકવાદને સપોર્ટ કરવાનું ગમે છે : વિવેક અગ્નિહોત્રી
નસીરુદ્દીન શાહે તાજેતરમાં જ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની પૉપ્યુલૅરિટી પર સવાલ ઉઠાવ્યા હતા. એને લઈને તેઓ આતંકવાદને સપોર્ટ કરે છે એવું વિવેક અગ્નિહોત્રીનું માનવું છે. નસીરુદ્દીન શાહ હાલમાં પોતાનાં બેફામ નિવેદનોને કારણે ચર્ચામાં છે. તેમણે ‘કેરલા સ્ટોરી’ અને ‘ગદર 2’ની પૉપ્યુલૅરિટી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. એથી હવે તેમને જડબાતોડ જવાબ આપતાં વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે ‘હું નસીર સાહબનો પ્રશંસક છું અને આ જ કારણ છે કે મેં તેમને ‘તાશ્કંદ ફાઇલ્સ’માં કાસ્ટ કર્યા હતા. મને એવું લાગે છે કે ક્યારેક લોકો તનાવમાં આવીને આવી વાતો કહે છે અથવા તો તેમને એવું લાગે છે કે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ના સત્યથી તેમનો પણ પર્દાફાશ થયો હોવાનો તેમને એહસાસ થઈ રહ્યો છે. લોકો નથી ચાહતા કે તેમને અન્ય લોકોની સામે ઉઘાડા થવું પડે. નસીર સતત આવું બોલ્યા કરે છે એથી કાંઈક તો ગરબડ છે. તેમણે એવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે જે નરસંહાર પર આધારિત હોય. જોકે કદાચ આ ફિલ્મમાં તેમના ધર્મ અથવા તો ફ્રસ્ટ્રેશનને કારણે આવું કહે છે, કારણ ગમે એ હોય, કદાચ તેમને આતંકવાદને સપોર્ટ કરવો ગમે છે. મને એ નથી પસંદ. નસીર જે કાંઈ પણ કહે છે એનાથી મને કોઈ ફરક નથી પડતો.’