૨૦૨૦નું વર્ષ બ્રેકઅપથી શરૂ થયું અને ખૂબ ખરાબ હતું : સારા અલી ખાન
સારા અલી ખાન
સારા અલી ખાનની ઇચ્છા એવા ફિલ્મમેકર્સ સાથે કામ કરવાની છે જે તેની અંદરથી બેસ્ટને બહાર લાવવામાં મદદ કરે. સારાએ ૨૦૧૮માં આવેલી ‘કેદારનાથ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. સારા હાલમાં હોમી અડાજણિયાની ‘મર્ડર મુબારક’નું શૂટિંગ કરી રહી છે. સાથે જ અનુરાગ બાસુની ‘મેટ્રો...ઇન દિનો’ માટે તૈયારી કરી રહી છે. તેણે જણાવ્યું છે કે તેને સંજય લીલા ભણસાલી, ઝોયા અખ્તર, આનંદ એલ. રાય અને લક્ષ્મણ ઉટેકર જેવા ડિરેક્ટર્સ સાથે કામ કરવું છે. ફિલ્મમેકર્સ વિશે જણાવતાં સારાએ કહ્યું કે ‘હું સતત નવું-નવું શીખવા માગું છું અને એવા ફિલ્મમેકર્સ સાથે કામ કરવું છે જે મારી અંદરથી બેસ્ટને બહાર લાવવામાં મને મદદ કરે. સાથે જ એવી સ્ટોરીઝ મારે જણાવવી છે જે લોકો સામે લાવવી અગત્યની છે. એ જ સૌથી મહત્ત્વનું છે.’
આ સિવાય તેનું એવું માનવું છે કે માધ્યમ કોઈ પણ હોય, પરંતુ દર્શકોને મનોરંજન પૂરું પાડવું છે. એ વિશે સારાએ કહ્યું કે ‘મારું એવું માનવું છે કે આપણું પોતાનું કામ એટલું શક્તિશાળી હોવું જોઈએ જે દર્શકોને સ્પર્શી જાય. તેઓ કામને ક્યાં જુએ છે એનાથી કોઈ ફરક નથી પડતો. માધ્યમ કોઈ પણ હોય, હું માત્ર દર્શકોને એન્ટરટેઇન કરવા માગું છું અને સાથે જ કહેવા યોગ્ય સ્ટોરી તેમને દેખાડવા માગું છું.’
ADVERTISEMENT
સાથે જ કંઈ ને કંઈ શીખવું જોઈએ એ વિશે સારાએ કહ્યું કે ‘એક ઍક્ટર તરીકે મને જાણવા મળ્યું છે કે આપણે સતત શીખતા રહેવું જોઈએ જે હું મારા ડિરેક્ટર્સ અને કોઍક્ટર્સ પાસેથી શીખું છું. હું એવા ફિલ્મમેકર્સ સાથે કામ કરવા માગું છું કે જેનાથી દરરોજ મારો વિકાસ થાય. વર્સટાઇલ બનવું ખૂબ જરૂરી છે. હું અલગ-અલગ કૅરૅક્ટર્સ ભજવીને એનો અનુભવ લેવા માગું છું.’
સારા અલી ખાને જણાવ્યું છે કે ૨૦૨૦નું વર્ષ બ્રેકઅપથી શરૂ થયું અને એ ખૂબ ખરાબ હતું. સારા સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહની દીકરી છે. સારાએ કાર્તિક આર્યન સાથે ‘લવ આજ કલ 2’માં કામ કર્યું હતું. શૂટિંગ દરમ્યાન બન્ને વચ્ચે અફેરની ચર્ચાઓ પણ ખૂબ ચગી હતી. જોકે આ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં જ ૨૦૨૦માં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. એ વર્ષને યાદ કરતાં સારાએ કહ્યું કે ‘૨૦૨૦નું વર્ષ ખૂબ ખરાબ હતું. એની શરૂઆત બ્રેકઅપથી થઈ અને ખરાબ થતું ગયું. એ મારા માટે ખરાબ વર્ષ હતું અને એ વાત ઇન્ટરનેટ પર પણ હતી. ક્યારેક તમને એવું લાગે છે કે તમારું જે ટ્રોલિંગ થાય છે એ યોગ્ય છે તો ક્યારેક તમને એનાથી ખૂબ તકલીફ પણ થાય છે. ઇન્ટરનેટ પર એ ખૂબ ઝડપથી ફેલાઈ જાય છે. જો તમારું દિલ તૂટ્યું હોય, દુર્દશા થઈ હોય, ચિંતિત હો, ગભરાયેલા હો અને ગંભીર હો તો એમ વિચારો છો કે શું ફરક પડશે; પરંતુ તમારી અંદર જ્વાળામુખી ફાટી રહ્યો હોય છે.’
સારાની ‘ગૅસલાઇટ’ ૩૧ માર્ચે આવશે ઑનલાઇન
સારા અલી ખાન અને વિક્રાન્ત મૅસીની ‘ગૅસલાઇટ’ ૩૧ માર્ચે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. રમેશ તૌરાણીએ આ ફિલ્મને પ્રોડ્યુસ અને પવન ક્રિપલાનીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ પણ જોવા મળશે. ‘અતરંગી રે’ બાદ સારાની આ બીજી ફિલ્મ છે જે ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થવાની છે. સારાએ તેની દાદી શર્મિલા ટાગોરની સાથે વાત કરતાં જણાવ્યું કે ‘ગૅસલાઇટ’ ૩૧ માર્ચે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ એક સાઇકોલૉજિકલ થ્રિલર છે.

