પ્રભાસની ફિલ્મ ફૌજીની હિરોઇન ઇમાનવીએ તેની સામે મુકાઈ રહેલા આરોપો વિશે કરી સ્પષ્ટતા
ઇમાનવી
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી દેશભરમાં આક્રોશનું વાતાવરણ છે. આ અટૅક પછી પાકિસ્તાની ઍક્ટર ફવાદ ખાનની ‘અબીર ગુલાલ’ તો ભારતમાં રિલીઝ નહીં જ થાય, પણ એ સિવાય પ્રભાસની આગામી ફિલ્મ ‘ફૌજી’ પણ વિવાદમાં સપડાઈ છે. હકીકતમાં આ ફિલ્મની હિરોઇન ઇમાનવી છે અને તેના વિશે સોશ્યલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો હતો કે તે મૂળ પાકિસ્તાનની છે અને તેના પરિવારનું પાકિસ્તાની સેના સાથે કનેક્શન છે. આ પ્રકારની ચર્ચાને કારણે લોકો આ ફિલ્મ પર પણ પ્રતિબંધ મૂકવાનો દાવો કરી રહ્યા હતા. જોકે હવે ઇમાનવીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ ચર્ચા વિશે સ્પષ્ટતા કરી છે.
ઇમાનવીએ કહ્યું કે ‘મને પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનું બહુ દુઃખ છે. પીડિતો અને તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. જોકે મારું પાકિસ્તાની કનેક્શન હોવાની જે વાતો કહેવામ આવી રહી છે એ સાવ ખોટી છે. આ જૂઠાણું ઑનલાઇન ટ્રોલર્સ ફેલાવી રહ્યા છે જે નફરતનો ફેલાવો કરવાનું કામ કરી રહ્યા છે. મારા પરિવારમાંથી કોઈનો પાકિસ્તાની સેના સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. આવી વાતો નિરાધાર અને દુઃખ પહોંચાડનારી છે. લોકો કંઈ પણ જાણ્યા વગર સોશ્યલ મીડિયા પર આરોપ લગાવી રહ્યા છે. હું લૉસ ઍન્જલસના કૅલિફૉર્નિયામાં જન્મેલી ગૌરવશાળી ભારતીય અમેરિકન છું. મારાં માતા-પિતા યુવાનીમાં જ અમેરિકા ચાલ્યાં ગયાં હતાં અને અમેરિકન નાગરિક બની ગયાં હતાં. હું હિન્દી, તેલુગુ, ગુજરાતી અને અંગ્રેજી બોલું છું અને હંમેશાં ભારતીય સંસ્કૃતિને અપનાવું છું. ભારતીય સિનેમા મારા જીવનનો મોટો હિસ્સો છે. મારા લોહીમાં ભારતીય ઓળખ છે.’ ઇમાનવી ઍક્ટ્રેસની સાથોસાથ ડાન્સ અને કન્ટેન્ટ-ક્રીએટર છે. તે એક શૉર્ટ ફિલ્મ ‘બીઇંગ સા-રાહ’માં પણ લીડ ઍક્ટ્રેસ તરીકે ઍક્ટિંગ કરી ચૂકી છે.


