૯૦ના દશકમાં રાહુલ રૉયને ‘લવર બૉય’ના નામે લોકો ઓળખતા હતા
રાહુલ રૉય
૧૯૯૦ની સુપરહિટ મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ ‘આશિકી’થી ઓળખ મેળવનાર અને લોકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેતા રાહુલ રૉય (Rahul Roy)ને લોકો રૉમેન્ટિક હીરો, લવર બૉય જેવા નામે ઓળખવા લાગ્યા હતા. પરંતુ તે પછી તેના પ્રેમનો જાદુ ઓસરવા લાગ્યો હતો. ધીરે ધીરે તે ફિલ્મો અને પછી બૉલિવૂડમાંથી જ ગાયબ થઈ ગયો. આજે એટલે કે ૯ ફેબ્રુઆરીના રોજ અભિનેતાનો જન્મદિવસ છે. ત્યારે તેના જન્મદિવસે જાણીએ તેના જીવનની કેટલીક રસપ્રદ વાતો.
મમ્મીના લીધે મળી હતી પહેલી ફિલ્મ
ADVERTISEMENT
રાહુલ રૉયનો જન્મ ૯ ફેબ્રુઆરી ૧૯૬૮ના રોજ થયો હતો. તેની માતા ૯૦ના દાયકામાં ખૂબ જ સારી કોલમ રાઈટર રહી ચુકી છે. રાઈટર હોવાને લીધે તેમનું બૉલિવૂડના દિગ્ગજો સાથે ઉઠવા-બેસવાનું હતું. એકવાર મહેશ ભટ્ટ રાહુલની માતાને મળવા તેમના ઘરે ગયા, દિવાલ પર રાહુલની તસવીર જોઈને તેઓ પ્રભાવિત થઈ ગયા. મહેશ ભટ્ટે જ્યારે રાહુલ વિશે માહિતી ભેગી કરી ત્યારે તેમને ખબર પડી કે રાહુલે દિલ્હીથી પોતાનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું છે અને તે મોડલિંગ પણ કરે છે. તેમણે તે જ સમયે નક્કી કર્યું કે તે રાહુલને ‘આશિકી’નો હીરો બનાવશે.
પહેલી ફિલ્મે રાતોરાત સ્ટાર બનાવ્યો
મહેશ ભટ્ટની ફિલ્મ ‘આશિકી’એ રાહુલ રૉયને રાતોરાત સ્ટાર બનાવી દીધો. આટલું જ નહીં પરંતુ છોકરીઓ તેમની હેરસ્ટાઈલથી મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. આ ફિલ્મ લગભગ છ મહિના સુધી થિયેટરમાં ચાલી હતી. આ ફિલ્મે રાહુલને સ્ટાર તો બનાવી દીધો હતો. પરંતુ તે પછી છ ફિલ્મની ઓફર પણ મળી. જેના કારણે રાહુલ થોડો નારાજ થઈ ગયો હતો અને તેણે અચાનક એક સાથે ૬૦ ફિલ્મો સાઈન કરી લીધી હતી.
૨૫ સુપર ફ્લૉપ ફિલ્મો આપી
રાહુલ રૉયની પહેલી ફિલ્મ એટલી મોટી હિટ રહી કે લોકો તેને છ મહિના સુધી સ્ક્રીન પર જોતા રહ્યાં. પરંતુ પછીની લગભગ ૨૫ ફિલ્મો સ્ક્રીન પર એટલી ખરાબ રીતે પિટાઈ ગઈ કે રાહુલની કારકિર્દી જ ખતમ થઈ ગઈ હતી. રાહુલે ‘ફિર તેરી યાદ આયી’, ‘જાનમ’, ‘સપને સાજન કે’, ‘ગુમરાહ’ અને ‘મઝદાર’ જેવી ફિલ્મો મળીને કુલ ૨૫ ફિલ્મો કરી. પરંતુ તેમાંથી એકેય ફિલ્મ ચાલી નહોતી.
લગ્નજીવનમાં પણ મળી નિષ્ફળતા
ફિલ્મોમાં નિષ્ફળતા બાદ રાહુલને લગ્નજીવનમાં પણ નિષ્ફળતા મળી હતી. તેણે મોડલ રાજલક્ષ્મી ખાનવિલકર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ બંનેએ છૂટાછેડા માટે અરજી કરી હતી, હવે બંને અલગ થઈ ગયા છે. હાલમાં, રાહુલે કેટલીક ફિલ્મોનું નિર્દેશન કરવાનું શરૂ કર્યું છે. હવે તેનું ‘રાહુલ રૉય પ્રોડક્શન’ નામનું પ્રોડક્શન હાઉસ પણ છે. તે પ્રાદેશિક ફિલ્મો પણ બનાવે છે. રાહુલ ક્યારેક બૉલિવૂડની પાર્ટીમાં જોવા મળે છે.


