ઍક્ટરનો બાળકી સાથેનો વિડિયો બનાવવાનો પ્રયાસ લોકોને ખાસ પસંદ ન પડ્યો
ગોવિંદા
હાલમાં ગોવિંદા તેના બદલાયેલા લુકને લીધે ચર્ચામાં આવ્યો હતો, પણ હવે તે પોતાના અયોગ્ય વર્તનને કારણે સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યો છે. હાલમાં ગોવિંદાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયો ફ્લાઇટની અંદરનો છે. ગોવિંદા ફ્લાઇટમાં એક બાળકી સાથે એવી હરકત કરી રહ્યો છે જે સોશ્યલ મીડિયા યુઝર્સને પસંદ નથી પડી.
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે એક બાળકી ગોવિંદાની બાજુમાં બેઠી છે અને તે બાળકી સાથે સેલ્ફી વિડિયો રેકૉર્ડ કરી રહ્યો છે અને બાળકીના ખભા પર પોતાનું માથું મૂકી રહ્યો છે. જ્યારે ગોવિંદા બાળકીના ખભા પર માથું મૂકે છે ત્યારે બાળકીને શું થઈ રહ્યું છે એ સમજાતું નથી. તે અસહજ અનુભવે છે. બાળકીના હાવભાવ જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સને પણ લાગ્યું કે ગોવિંદાની હરકત વિચિત્ર છે. જોકે આ દરમ્યાન ગોવિંદા કૅમેરા તરફ જોઈને હસતો રહે છે.
ADVERTISEMENT
આ વિડિયો પર સોશ્યલ મીડિયા યુઝર્સ જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે, ‘તે શું કરી રહ્યો છે? આ નાની બાળકી કોણ છે?’ બીજા એક યુઝરે કહ્યું, ‘ક્રીપ નંબર 1, હે ભગવાન, આ ખૂબ જ વિચિત્ર છે.’ એક અન્ય યુઝરે લખ્યું છે, ‘આની પત્ની સાચું કહે છે. આવી જ હરકતોના કારણે પત્નીએ ગોળી મારી હતી.’ જોકે હજી સ્પષ્ટ થયું નથી કે આ બાળકી ગોવિંદાની ટીમની છે કે કોઈ અજાણી વ્યક્તિની છે.

