સોશ્યલ મીડિયામાં સેલિબ્રિટીઝે શોકસંદેશ પાઠવીને પોતાની લાગણીનો ધોધ ઠાલવ્યો હતો
ક્રિષ્ન કુમાર કુન્નથ
‘લાઇફ... ઇન અ મેટ્રો’નું ગીત ‘અલવિદા’ ગાનારા સિંગર ક્રિષ્ન કુમાર કુન્નથ કે જેને આપણે સિંગર કેકે તરીકે ઓળખીએ છીએ એ હવે હંમેશાં માટે દુનિયાને અલવિદા કહીને જતો રહ્યો છે. તેના અચાનક નિધનથી સૌકોઈ સ્તબ્ધ છે. મંગળવારે રાતે કલકત્તામાં તેની કૉન્સર્ટ ચાલી રહી હતી. એ કૉન્સર્ટ પૂરી થતાં તેની તબિયત બગડી હતી અને હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. કેકેના નિધનમાં શંકા જતાં કલકત્તા પોલીસે અનનૅચરલ ડેથનો કેસ નોંધ્યો છે.
તેનો જન્મ ૧૯૬૮ની ૨૩ ઑગસ્ટે મલયાલમ પરિવારમાં થયો હતો. તેણે મ્યુઝિકની કોઈ ખાસ ટ્રેઇનિંગ નહોતી લીધી. કેકેને જ્યોતિ સાથે લગ્ન કર્યા બાદ બે બાળકો નકુલ અને તમારા કુન્નથ નામની દીકરી છે. કેકેની જેમ જ તેની ફૅમિલી પણ લાઇમલાઇટથી દૂર જ રહે છે.
ADVERTISEMENT
‘હમ દિલ દે ચુકે સનમ’માં ગાયેલું ‘તડપ તડપ કે’ ગીત ખૂબ ફેમસ બન્યું હતું. તેણે ‘ઓમ શાંતિ ઓમ’નું ‘આંખોં મેં તેરી’, ‘બચના અય હસીનો’નું ‘ખુદા જાને’ જેવાં અનેક ગીતો ગાયાં હતાં.
કલકત્તામાં તેને આખરી સલામી આપવામાં આવી હતી.
સોશ્યલ મીડિયામાં સેલિબ્રિટીઝે શોકસંદેશ પાઠવીને પોતાની લાગણીનો ધોધ ઠાલવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
સિંગર ક્રિષ્ન કુમાર કુન્નથ જે કેકેના નામથી વધુ ફેમસ હતા તેમના અચાનક અવસાનથી આઘાત લાગ્યો છે. તેમનાં ગીતોમાં જે પ્રકારે ઇમોશન્સ હતાં એ દરેક ઉંમરના લોકોનાં દિલોને સ્પર્શી જતાં હતાં. તેમનાં ગીતો દ્વારા તેમને હંમેશાં યાદ રાખવામાં આવશે. તેમની ફૅમિલી અને તેમના ફૅન્સ પ્રતિ સાંત્વના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.
ગૃહ પ્રધાન અમિત શાહ
કેકે ખૂબ જ ટૅલન્ટેડ અને પ્રતિભાશાળી સિંગર હતા. તેના અકાળ નિધનથી ખૂબ દુ:ખ થયું છે અને ભારતીય મ્યુઝિક માટે મોટી ખામી છે. તેના ગિફ્ટેડ વૉઇસથી, સંગીતપ્રેમીઓ માટે તેણે અમીટ છાપ છોડી છે. તેની ફૅમિલી અને ફૅન્સ પ્રતિ સાંત્વના છે. ઓમ શાંતિ શાંતિ.
કેરળના મુખ્ય પ્રધાન પિનરયી વિજયન
તેનું જ્યારે નિધન થયું ત્યારે તે પોતાના પૅશનમાં જ વ્યસ્ત હતો. વિવિધ ભાષાઓમાં તે ખૂબ જ પૉપ્યુલર સિંગર હતો. દુ:ખની આ ઘડીમાં હું તેના પરિવાર અને ફ્રેન્ડ્સની સાથે છું.
અક્ષયકુમાર
તે મારી કરીઅરનો ભાગ હતો. તે મારાં અનેક ગીતોનો પણ ભાગ રહ્યો હતો. જે કંઈ પણ બન્યું એ ખૂબ જ શૉકિંગ હતું. આપણે અનેક સિંગર્સને ગુમાવી રહ્યા છીએ અને એ પણ નાની ઉંમરમાં એ ખરેખર દુ:ખની વાત છે.
પ્રીતમ
ખૂબ આંચકો લાગ્યો છે. કેકે વિશે સાંભળ્યું. કૃપયા મને જણાવો કે આ સાચું નથી.
ચિરંજીવી
કેકેના અવસાનથી દિલ તૂટી ગયું છે. ખૂબ જલદી વિદાય લીધી. એક શાનદાર સિંગરની સાથે મહાન વ્યક્તિ. તેણે મારી ‘ઇન્દ્ર’ માટે ‘દયી દયી દામા’ ગાયું હતું. તેની ફૅમિલી અને તેના નજીકના લોકો પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું. તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.
મનોજ બાજપાઈ
આ હાર્ટ બ્રેકિંગ સમાચાર છે. તેનામાં ભવ્ય અને સન્માનનીય ટૅલન્ટ હતી. હીરા જેવો વ્યક્તિ હતો. ઘણાં વર્ષોથી તેને જાણતો હતો. તેને ગુમાવવાના સમાચાર પર ભરોસો કરવા માટે ખૂબ સમય લાગ્યો. તેની ફૅમિલી અને ફ્રેન્ડ્સ માટે સાંત્વના. નિઃશબ્દ છે. ઓમ શાંતિ.
દલેર મેહંદી
ખૂબ જ દુ:ખની વાત છે. તે ખૂબ સરળ અને શરમાળ વ્યક્તિ હતો. ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રી માટે આ ખૂબ મોટી ક્ષતિ છે. તેની મ્યુઝિકની જે સમજ હતી એનો હું હંમેશાંથી પ્રશંસક રહ્યો છું. તેના આત્માને શાંતિ મળે. તેના પરિવાર અને ફૅન્સને દુ:ખની આ ઘડીનો સામનો કરવાની તાકાત મળે.
અજય દેવગન
આ અપશુકન જેવું છે. લાઇવ પર્ફોર્મન્સ આપ્યા બાદ કેકેનું નિધન થવું એ ભયાવહ છે. હું જે ફિલ્મમાં કામ કરતો હતો એના માટે તેણે ગીત ગાયાં હતાં. એથી મારા માટે તો આ પર્સનલ લૉસ સમાન છે. પ્રાર્થના અને સાંત્વના.
ઇમરાન હાશમી
તેના જેવો અવાજ અને ટૅલન્ટ જોવા નહીં મળે. તેના જેવી વ્યક્તિ હવે કોઈ ન બની શકે. તેણે ગાયેલાં ગીતો પર કામ કરવું હંમેશાંથી સ્પેશ્યલ રહ્યું છે. કેકે તું હંમેશાં અમારાં દિલોમાં રહીશ અને તારાં ગીતો દ્વારા તું અમર થઈ ગયો છે. RIP લેજન્ડ.
રેખા ભારદ્વાજ
હું મૌન થઈ ગઈ છું. કેકે, આપણો કેકે ચાલ્યો ગયો છે એ વાત પર ભરોસો નથી થઈ રહ્યો. ખૂબ અન્યાય થયો છે. તારા હસવાનો અવાજ, તારાં ગીતો અને ખાસ કરીને તો તારી હંમેશાં ખૂબ યાદ આવશે.
વિવેક અગ્નિહોત્રી
કેકેના નિધન વિશે સાંભળીને દુ:ખ થયું છે. તેણે મારી પહેલી ફિલ્મમાં ગીત ગાયું હતું. ત્યાર બાદથી તે મારો ખાસ ફ્રેન્ડ બની ગયો છે. આટલી જલદી શું કામ ગયો કેકે? જોકે તું તારાં ગીતોનો ખજાનો અમને આપી ગયો છે. ખૂબ જ અઘરી રાત છે. ઓમ શાંતિ. કેકે જેવા કલાકારો કદી મરતા નથી.
શ્રેયા ઘોષાલ
આ સમાચાર પર વિશ્વાસ નથી બેસતો. સ્તબ્ધ છું. શું કામ કેકે! આ સ્વીકારવું અઘરું છે. દિલના ટુકડા થઈ ગયા છે. મારી લાઇફમાં હું ખૂબ જ નમ્ર, સજ્જન અને તેના જેવા સારા વ્યક્તિને મળી છું. ભગવાને તેના ફૅન્સ, ફ્રેન્ડ્સ અને કલીગ્સ વચ્ચે પ્રેમ ફેલાવવા માટે પોતાના આ પ્રેમાળ બાળકને મોકલ્યો હતો. હવે ભગવાનને તે પાછો જોઈતો હતો? ખૂબ જલદી ગયો? આઘાત. તેનો પરિવાર કઈ સ્થિતિમાંથી પસાર થતો હશે એની કલ્પના પણ નથી કરી શકતી. હું દિલથી તેને શ્રદ્ધાંજલિ આપું છું. તેનો ગોલ્ડન અને પ્રેમાળ અવાજ આપણાં દિલોમાં ગુંજતો રહેશે. તારા આત્માને શાંતિ મળે કેકે.
શેખર રવજિયાણી
હું એ વાતનો સ્વીકાર નથી કરી શકતો કે ભગવાનના માણસ જેવો વ્યક્તિ ચાલ્યો ગયો છે. મારા ભાઈ તને ખૂબ પ્રેમ. તારી આકર્ષક સ્માઇલ, તારા ડિવાઇન અવાજ અને સુંદર જોશ દ્વારા તેં આ વિશ્વને રહેવા માટે સારું સ્થાન બનાવ્યું હતું. શું યાર તું છોડીને ચાલ્યો ગયો. ‘તૂ આશિકી, તૂ રોશની.’
વિશાલ દાદલાણી
આ સાચું ન હોય. કેકે તારા વગર હવે પહેલાં જેવું કંઈ નહીં રહે. મારું દિલ તૂટી ગયું છે. તેના અવાજમાં પવિત્રતા, શિષ્ટતા, ખરા સોના જેવું તેનું દિલ. ખૂબ જલદી ચાલ્યો ગયો. આંસુ અટકી નથી રહ્યાં. તે ખૂબ સારો વ્યક્તિ હતો. તેનો અવાજ, તેનું દિલ, તેની માણસાઈ અદ્ભુત હતી. કેકે હંમેશાં યાદ આવશે. મીડિયાના મારા ફ્રેન્ડ્સને વિનંતી છે કે મને તેના વિશે સ્ટેટમેન્ટ માટે કૉલ ન કરતા. હું તેને ભૂતકાળમાં નહીં વર્ણવી શકું. એવું કહેવા માટે મારામાં હિમ્મત નથી.
બાબુલ સુપ્રિયો
તે ઉત્કૃષ્ટ સંગીતકાર હતા. તેઓ ખૂબ જ શાંતિપૂર્ણ જીવન પસાર કરતા હતા. સંગીત જગતમાં કેકેના અવાજનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. તેઓ કોઈ પાર્ટીમાં પણ દેખાતા નહોતા. તેઓ આવતા, ગીત ગાતા અને નીકળી જતા. તેમનું જવું ખૂબ દુ:ખદ છે.
અરમાન મલિક
અતિશય દુખી અને તૂટી ગયો છું. આપણા બધા માટે વધુ એક આંચકો છે. વિશ્વાસ નથી થતો કે કેકે સર હવે જીવિત નથી. આ શું થઈ રહ્યું છે? હવે વધુ સહન નથી થતું.
મોહિત ચૌહાણ
કેકે આ ઠીક નથી. આ ઉંમર નથી તારા જવાની. આપણે સાથે મળીને ટૂરની જાહેરાત કરી હતી. તું કેવી રીતે જઈ શકે છે? શૉક્ડ અને દુખી છું. મારો ખાસ ફ્રેન્ડ, ભાઈ જતો રહ્યો છે. RIP કેકે. લવ યુ.
કપિલ શર્મા
હજી થોડા સમય પહેલાં જ મુલાકાત થઈ હતી. ખૂબ જ સુંદર સાંજ હતી, જાણ નહોતી કે એ મુલાકાત છેલ્લી હશે. દિલ ખૂબ જ ઉદાસ છે. ભગવાન તેમનાં ચરણોમાં તમને સ્થાન આપે. અમારાં દિલોમાં તો તમે હંમેશાં જ રહેવાના છો. અલવિદા ભાઈ. ઓમ શાંતિ.


