કાંદિવલીમાં જ ઉછેર હોવાને કારણે ગુજરાતી સાથે ઘરોબો ધરાવતી ગિરિજાએ રંગમંચ પર નાટકો ભજવીને જ ગુજરાતીમાં મહારત હાંસલ કરી છે. જાણીએ રંગમંચની દુનિયામાં સવાઈ ગુજરાતી ઍક્ટ્રેસ વિશે જાણવા જેવું
નૅશનલ ક્રશ તરીકે વાઇરલ થઈ ગયેલી આ મરાઠી મુલગીને તો ઍક્ટ્રેસ બનવું જ નહોતું
થોડા સમય પહેલાં બ્લુ સાડી ગર્લ તરીકે ચર્ચામાં આવેલી ઍક્ટ્રેસ ગિરિજા ઓક ભલે મરાઠી હોય, પણ સોજ્જું ગુજરાતી બોલે છે અને ગુજરાતી નાટકોમાં પણ ચમકી છે. મરાઠી નાટકો અને ફિલ્મો સાથે તેણે ઘણાં હિન્દી ટીવી-શો, ફિલ્મો અને વેબ-સિરીઝ કર્યાં છે. કાંદિવલીમાં જ ઉછેર હોવાને કારણે ગુજરાતી સાથે ઘરોબો ધરાવતી ગિરિજાએ રંગમંચ પર નાટકો ભજવીને જ ગુજરાતીમાં મહારત હાંસલ કરી છે. જાણીએ રંગમંચની દુનિયામાં સવાઈ ગુજરાતી ઍક્ટ્રેસ વિશે જાણવા જેવું
૨૦૦૫ની આસપાસનો સમય. ૧૮ વર્ષની ગિરિજા ઓકે એ સમયે મરાઠી અને હિન્દી નાટકો શરૂ કર્યાં હતાં. ગુજરાતી નાટકોના જાણીતા લેખક નૌશિલ મહેતાએ એક ઓપન કૉમ્પિટિશનમાં ગિરિજાનું એક હિન્દી નાટક જોયું, જેમાં પ્રતીક ગાંધી અને સ્વપ્નિલ જોશી પણ હતા. એ નાટકને કારણે ગિરિજાની પસંદગી ‘એક અનોખી ઓળખાણ’ નામના ગુજરાતી નાટક માટે નૌશિલભાઈએ કરી. અમી ત્રિવેદી અને મુનિ ઝા સાથે નૌશિલભાઈ આ નાટક બનાવી રહ્યા હતા જેના ડિરેક્ટર ઉમેશ પારેખ હતા. ગિરિજા આમ તો કાંદિવલીમાં ઊછરી હતી એટલે ગુજરાતી ભાષા તેને આવડતી હતી, પરંતુ સ્ટેજ પર જે સરળતાથી ભાષા બોલાવી જોઈએ એ બાબતે તે ગભરાઈ રહી હતી. પહેલા દિવસે તે નૌશિલ મહેતાને મળી તો તેણે પોતાનો ડર છતો કર્યો અને કહ્યું, ‘મને ગુજરાતી આવડે છે, પણ એટલું સારું નહીં.’ ત્યારે નૌશિલ મહેતાએ ગિરિજાને આત્મવિશ્વાસ આપવા માટે જોરથી કહ્યું, ‘દીકરા, તું કેમ ચિંતા કરે છે? તને જાત પર ભરોસો છે કે નહીં?’ ગિરિજા અવાક થઈને ત્યાં ઊભી રહી એટલે તે ફરીથી બરાડ્યા અને કહ્યું, ‘બોલ, તને જાત પર ભરોસો છે કે નહીં?’ આ ક્ષણને યાદ કરતાં ગિરિજા કહે છે, ‘મને થયું કે ગુજરાતી સારી શીખવા માટે આ વ્યક્તિ સીધી જાત પર પહોંચી ગઈ? એમાં જાતિને વચ્ચે લાવવાની જરૂર શું છે? મેં તેમને સંપૂર્ણ રીતે જજ કરી લીધા હતા, પણ હું નવી હતી એટલે મેં ફક્ત માથું ધુણાવ્યું. એટલે તેમણે કહ્યું કે બસ, જાત પર પૂરેપૂરો ભરોસો રાખીશ તો કામ થઈ જશે. હું સાચે અંદરથી ખૂબ ગુસ્સામાં હતી, પણ મેં કંઈ ન કહ્યું. ૬ મહિના થયા એ નાટકને, દરરોજ ગુજરાતી ભાષાની નજીક આવવાનો મોકો મળતો ગયો અને ધીમે-ધીમે એ હું શીખતી ગઈ. પછી મને ખબર પડી કે ગુજરાતીમાં જાત એટલે વ્યક્તિ પોતે. એ દિવસે હું ખૂબ હસી. બિચારા નૌશિલભાઈને મેં ખરા જજ કરી લીધા હતા.’
ગુજરાત અને ગુજરાતી
‘એક અનોખી ઓળખાણ’માં ગિરિજા સાઇડ રોલ કરી રહી હતી એટલે એમાં ખાસ વાંધો ન આવ્યો, પરંતુ એ નાટક પછી તેને ‘કમાલ પટેલ V/S ધમાલ પટેલ’ નામનું નાટક મળ્યું, જેમાં મુખ્ય પાત્ર તેનું હતું. એ વિશે વાત કરતાં ગિરિજા કહે છે, ‘સાઇડ કૅરૅક્ટરમાં તમે ગોખીને સંવાદ બોલી જાઓ તો ચાલે, પણ મુખ્ય કિરદારમાં થોડા બદલાવ આવ્યા કરતા હોય. સ્ટેજ પર જ ઇમ્પ્રોવાઇઝેશન થતું હોય છે. આ દરમ્યાન હું સારું ગુજરાતી શીખી. વળી એ નાટકના ૩૫૦-૪૦૦ શો થયા જે માટે હું ગુજરાત પણ ફરી. એક નૉન-ગુજરાતી માટે ઊંધિયું અને થેપલાં એટલે જ ગુજરાત. એના સિવાય તેને ગુજરાત વિશે કંઈ ખબર ન હોય. હું જ્યારે ગુજરાત ફરી ત્યારે મને ત્યાંની જુદી-જુદી બોલી, લહેકા અને પ્રકારની સમજ પડી. વડોદરા કરતાં ભાવનગર સાવ જુદું, અમદાવાદ કરતાં સુરત સાવ જુદું. તો આ રીતે હું ગુજરાત અને ગુજરાતી ભાષા બન્નેની નજીક આવી. ગુજરાતીમાં મેં પાંચ નાટકો કર્યાં છે. ‘એક અનોખી ઓળખાણ’ અને ‘કમાલ પટેલ V/S ધમાલ પટેલ’ સિવાય મેં ‘બાપુના રાજમાં લીલાલહેર’ નાટક કર્યું છે અને પરેશ રાવલ સાથે ‘ડિયર ફાધર’ નાટક કર્યું છે. ‘વજાઇના મૉનોલૉગ્સ’ના ગુજરાતી વર્ઝનમાં પણ મેં કામ કર્યું છે.’
કામ
આમિર ખાનની ફિલ્મ ‘તારે ઝમીન પર’ ગિરિજા ઓકની પહેલી હિન્દી ફિલ્મ હતી. એ પછી ‘શોર ઇન ધ સિટી’, ‘સાઇકલ કિક’, ‘બાકી ઇતિહાસ’, ‘કાલા’ જેવી હિન્દી ફિલ્મો તેણે કરી. હાલમાં ૨૦૨૩માં ‘જવાન’ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે પણ તેણે કામ કર્યું. તેણે ‘ધ વૅક્સિન વૉર’, ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’ અને ‘ભારત ભાગ્ય વિધાતા’માં પણ મહત્ત્વના રોલ કર્યા છે. ગિરિજાએ હિન્દીમાં ‘લેડીઝ સ્પેશ્યલ’, ‘કાર્ટેલ’, ‘મૉડર્ન લવ : મુંબઈ’, ‘થર્ટીન્થ : સમ લેસન આર નૉટ ટૉટ ઇન ક્લાસરૂમ’, ‘પર્ફેક્ટ ફૅમિલી’, ‘હેલો બચ્ચોં’ જેવી સિરિયલો અને વેબ-શો કર્યા છે. મરાઠીમાં તેમણે ‘પાંડુ’, ‘નાઇન ટુ ફાઇવ’ જેવો શો અને ‘માનિની’, ‘ગુલમોહર’, ‘બાજી’, ‘ગોષ્ટ છોટી ડોંગરાઅવઢી’, ‘અડગુલા મડગુલા’ જેવી મરાઠી ફિલ્મોમાં તેનું કામ વખાણાયું છે. ‘હાઉસફુલ’ નામની એક કન્નડ ફિલ્મ અને ‘ધ જર્ની ઑફ હર સ્માઇલ’ નામની અંગ્રેજી ફિલ્મ પણ તેણે કરી છે. યુટ્યુબ પર ‘લલ્લનટૉપ’ નામની ચૅનલ પર ‘ઘર જૈસી બાતેં’ નામની એક સંવાદલક્ષી સિરીઝ તેણે કરેલી, જે ઇન્ટરનેટ પર ખાસ્સી પ્રસિદ્ધિ પામી. એ સિરીઝ દરમ્યાન એક બ્લુ સાડીમાં તે વાઇરલ થઈ ગઈ હતી અને લોકોએ તેને ‘નૅશનલ ક્રશ’ ઘોષિત કરી દીધી હતી, પરંતુ અમુક ખરાબ તત્ત્વોએ તેના એક ફોટોને મૉર્ફ કરીને ઇન્ટરનેટ પર બધે ફેલાવ્યો હતો. એ વિશે તેણે પોતાના જ સોશ્યલ મીડિયા પેજ પર નારાજગી જતાવી હતી. આ બધા વિશે ગિરિજા કહે છે, ‘એક તરફ તમને આટલો બધો પ્રેમ મળી રહ્યો છે એની ખુશી હોય. લોકો પૂછવા લાગેલા કે કોણ છે આ બ્લુ સાડી ગર્લ. એ સમયે મારા અમુક શ્રોતાઓએ કહ્યું કે અરે, તેણે તો ઘણું કામ કર્યું છે. એટલે મારાં જૂનાં કામોને પણ લોકોએ જોયાં. બીજી તરફ આવું થયું. મેં લોકોને કહ્યું કે મારો દીકરો જે ૧૩ વર્ષનો છે તે આ ફોટો જોશે તો શું વિચારશે? આ કઈ રીતે યોગ્ય કહેવાય? મને કમ્પ્લેન કરવાવાળા રસ્તે નહોતું જવું, પણ મને ઇચ્છા હતી કે જેમણે આ કર્યું છે અને જે લોકો આ જોઈને લાઇક બટન દબાવી રહ્યા છે તેમને હું કહી શકું કે આ બરાબર નથી.’
બાળપણ
ગિરિજાનાં મમ્મી પદ્મશ્રી ફાટકનું પિયર નાગપુર હતું એટલે તેનો જન્મ ત્યાં થયો. ગિરિજાના પિતા ગિરીશ ઓક ડૉક્ટર હતા અને પ્રૅક્ટિસ પણ કરતા હતા. તેમને ઍક્ટિંગ કરવાનો ખૂબ શોખ હતો એટલે તેઓ મુંબઈ રહેતા હતા. એ પછી ગિરિજા કોરાડી અને સાંગલીમાં મોટી થઈ. ૪ વર્ષની ઉંમરે તે મુંબઈ આવી. કાંદિવલીમાં ઠાકુર વિદ્યાલયમાં ભણી. એ વિશે વાત કરતાં ગિરિજા કહે છે, ‘હું ભણવામાં હોશિયાર હતી, પણ મહેનતુ નહોતી. પહેલા ૩ નંબરમાં મારો નંબર હોય જ. મેં સાયન્સ લીધું હતું. એ પછી બાયો-ટેક્નૉલૉજી વિષય સાથે આગળ ભણી. મને ડાન્સ કરવાનો ખૂબ શોખ હતો. એ સમયે હું એ છોકરી તરીકે ઓળખાતી જે ડાન્સ કરે છે અને આજે લોકો કહેતા થઈ ગયા છે કે આ એ છોકરી જે સારું ગાય છે. આ ટ્રાન્સફૉર્મેશન કઈ રીતે આવ્યું એ મને ખબર નથી. મારાં મમ્મીના ઘરમાં ઘણાબધા લોકો મ્યુઝિક-ફીલ્ડમાં છે. મને લોકો કહે છે કે હું સારું ગાઉં છું, પણ હકીકત એ છે કે મારા ઘરમાં હું સૌથી ખરાબ ગાયિકા ગણાઉં છું. લોકો એટલું સારું સંગીત જાણે છે, પણ મને શોખ છે એટલે હું શીખી પણ ખરી અને ગાઉં પણ છું.’
કામની શરૂઆત
ગિરિજાના પિતા ઍક્ટર હતા એટલે તેમની આસપાસના લોકોને સહજ રીતે લાગતું કે ગિરિજા પણ ઍક્ટર બનશે. એ સહજ બાબત હતી. જોકે ગિરિજાએ એવું કશું વિચાર્યું નહોતું. તે ૧૧-૧૨ વર્ષની હતી ત્યારે ફેમસ સ્ટુડિયોમાં એક ઇવેન્ટ હતી જેમાં ગિરિજા તેનાં મમ્મી સાથે ગઈ હતી. ત્યાં એક કાસ્ટિંગ ડિરેક્ટરે તેને જોઈને ઑડિશન આપવા કહ્યું. પહેલા જ ઑડિશનમાં તે સિલેક્ટ થઈ ગઈ. એ વાત જણાવતાં ગિરિજા કહે છે, ‘એ વખતે મેં સેવલૉનની ઍડ કરી. આ એ સમય નહોતો કે ચાઇલ્ડ મૉડલ સરળતાથી મળી જતાં, કારણ કે લોકો એવું વિચારતા કે આમાં બાળકને મોકલાય નહીં. એટલે મને આ વાતનો ફાયદો થયો. મેં એ સમયે ૧૫-૨૦ ઍડ કરી. મારામાં આત્મવિશ્વાસ પહેલેથી હતો. જોકે મને ખબર નહોતી કે આ એક પ્રોફેશનલ કામ છે. સ્કૂલમાં કોઈ પ્રોગ્રામમાં બાળકને સિલેક્ટ કરે તો તેને કેવી ખુશી થાય એવી જ મારી મમ્મીએ મને વાત કરેલી કે આમાં તને ચાન્સ મળ્યો એ ખૂબ સારી બાબત છે. એટલે હું ખુશ થતી, પણ આના પૈસા મળે છે એવું તેણે મને કહ્યું જ નહોતું જ્યાં સુધી હું ૧૬ વર્ષની ન થઈ. આજે જ્યારે જોઉં છું કે ચાઇલ્ડ આર્ટિસ્ટ્સને તેમની મમ્મી ફોન માટે રોકે તો તેઓ તેમની મમ્મીને કહી દેતા હોય છે કે આ ફોન મારા પૈસાથી આવ્યો છે. ત્યારે લાગે છે કે હું બચી ગઈ. ૧૬ વર્ષે જ્યારે મને ખબર પડી કે મારા અને મમ્મીના જૉઇન્ટ અકાઉન્ટના પૈસા મેં કમાયા છે ત્યારે એક જુદો આનંદ થયેલો, જે કદાચ નાની ઉંમરે ન સમજી શકાત.’
ફિલ્મોમાં શરૂઆત
બે-ત્રણ મરાઠી ફિલ્મો કર્યા બાદ ડિરેક્ટર અમોલ ગુપ્તેની ઑફિસમાંથી ગિરિજાને કૉલ આવ્યો કે ઑડિશન છે. એ સમયે ગિરિજાએ પૃથ્વી થિયેટરમાં ઘણાં નાટકો કર્યાં હતાં એટલે મકરંદ દેશપાંડે તેને ઓળખતા હતા. તેમણે ગિરિજાનું નામ અમોલ ગુપ્તેને આપેલું. એ ઑડિશનમાં તે પાસ થઈ. તેને રોલ સમજાવવામાં આવ્યો અને શૂટિંગના દિવસે તે પહોંચી ગઈ એ યાદ કરતાં ગિરિજા કહે છે, ‘હું તો ઓપનિંગ સીન કરી રહી હતી. ત્યારે ડિરેક્ટરે મને થોડું સમજાવ્યું અને પછી તેમણે કહ્યું કે એક ટેક લઈએ. બાય ધ વે, તને ખબર છેને કે તું આ સીન આમિર સાથે કરી રહી છે? મારી આંખો પહોળી થઈ ગઈ, મગજ બંધ થઈ ગયું. મેં કહ્યું, કોણ? અમોલ ગુપ્તે મારી હાલત જોઈને હસવા લાગ્યા કે એટલે જ હું તને નહોતો કહેતો. મેં નહોતું વિચાર્યું કે આવું કંઈ થઈ શકે, પરંતુ થયું. એ બદલ હું કૃતજ્ઞતા અનુભવું છું. જોકે મારે હિરોઇન બનવું જ નહોતું. નાનપણમાં જે પ્રકારની ફિલ્મો મેં જોઈ હતી એમાં હિરોઇનોનો કોઈ ખાસ રોલ હતો જ નહીં. તેમણે કશું મહત્ત્વપૂર્ણ કરવાનું હતું નહીં. એટલે જ્યારે કોઈ મને કહેતું કે તું તો મૉડલિંગ કરે છે એટલે હિરોઇન બનશે ત્યારે હું તેને ગુસ્સામાં કહેતી કે હું મારા ક્લાસની ટૉપર છું, હું તો ભણીશ. કદાચ મારા આ અપ્રોચને કારણે જ મને હંમેશાં સારા પ્રોજેક્ટ મળતા રહ્યા. મને એ વાતનો હર્ષ છે કે મેં એ કામ જ કર્યું છે જે મને ગમ્યું છે. એટલી હું નસીબદાર કે મારે જીવનના ગુજરાન માટે કામ નહોતું કરવાનું. હું મારી ચૉઇસનું કામ કરી શકવા જેટલી ફ્રી રહી છું.’
ADVERTISEMENT
પ્રેમ અને પરિવાર
૨૦૧૦ના જાન્યુઆરી મહિનામાં એક મ્યુઝિક રિયલિટી શો હોસ્ટ કરી રહેલી ગિરિજાને એ શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર સુહૃદ ગોડબોલે સાથે પ્રેમ થઈ ગયો. ૨૦૧૧ના ડિસેમ્બરમાં બન્ને પરણી ગયાં. ૨૦૧૩માં તેમને પુત્ર થયો, જેનું નામ રાખ્યું કબીર. સોશ્યલ મીડિયા પર ગિરિજાની પેરન્ટિંગ પર કરેલી વાતો પણ ખાસ્સી લોકપ્રિય થઈ છે.
જલદી ફાઇવ
શોખ : હું હાલમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં પ્રાચીન ગાયનશૈલી ગણાય એવું દ્રુપદ ગાયન શીખું છું.
બકેટ-લિસ્ટ : મારે તો અઢળક વસ્તુઓ કરવી છે જેમાં એક છે ખૂબ ફરવું. દુનિયાનો ખૂણેખૂણો જોઈ લેવો છે મારે.
નૅશનલ ક્રશનો ક્રશ કોણ છે? : મારો ક્રશ છે કૅનેડિયન ઍક્ટર રાયન ગોસલિંગ.
પ્રથમ પ્રેમ : હું નાની હતી ત્યારે પપ્પા મદ્રાસથી એ. આર. રહમાનની કૅસેટ્સ લઈ આવતા. ત્યારે ‘તીરુડા-તીરુડા’ ફિલ્મનું ‘રાસાથી’ નામનું એક તામિલ ગીત મેં સાંભળ્યું હતું. મને એ ભાષા નહોતી આવડતી, પણ એ દિવસે હું સમજી શકી કે આર્ટ શું કરી શકે છે તમારી અંદર? બસ, મને આર્ટથી પ્રેમ થઈ ગયો.
અત્યારે શું કરો છો? : હાલમાં હું ‘ગૌહર જાન’ નામની તવાયફ પર આધારિત અંગ્રેજી નાટક ‘ગૌહર’ કરી રહી છું, જે સંજોગવશ ૪ દિવસની અંદર મેં તૈયાર કર્યું હતું. આ નાટકમાં હું ૪ જુદી-જુદી ભાષામાં ગીતો ગાઉં છું. એના શો મુંબઈમાં થવાના છે.
