Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેના ગણેશોત્સવ મંડળની અનોખી પહેલ

થાણેના ગણેશોત્સવ મંડળની અનોખી પહેલ

Published : 23 September, 2026 07:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રદ્ધાળુઓને ફળ-ફૂલને બદલે નોટબુક-પેન લાવવા કરી અપીલ, આદિવાસી બાળકોને કરવામાં આવશે મદદ

ઉથળસર ખાતે મહારાષ્ટ્ર સ્પોર્ટ્‍સ ક્લબ દ્વારા બાપ્પા માટે કરવામાં આવેલું ડેકોરેશન.

ઉથળસર ખાતે મહારાષ્ટ્ર સ્પોર્ટ્‍સ ક્લબ દ્વારા બાપ્પા માટે કરવામાં આવેલું ડેકોરેશન.


મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં તહેવારો દરમ્યાન ધ્વનિપ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે થાણેના એક સાર્વજનિક ગણેશોત્સવ મંડળે પર્યાવરણપૂરક અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. થાણેના ઉથળસર ખાતે આવેલી મહારાષ્ટ્ર સ્પોર્ટ્‍સ ક્લબ દ્વારા ગણપતિબાપ્પાનાં દર્શન કરવા આવતા ભક્તોને અનોખી અપીલ કરવામાં આવી છે. મંડળે શ્રદ્ધાળુઓને પૂજા માટે અર્પણ કરવામાં આવતાં ફળ, ફૂલ કે નારિયેળ લાવવાને બદલે એક નોટબુક અને એક પેન સાથે લાવવા વિનંતી કરી છે, જેથી એકઠી થનારી શૈક્ષણિક સામગ્રી જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડી શકાય.
આ મંડળ છેલ્લાં ૫૪ વર્ષથી સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરી રહ્યું છે. મંડળના સ્થાપક જનાર્દન વૈતી હતા અને હાલમાં પ્રમુખ યોગેશ ભંડારીના નેતૃત્વ હેઠળ મંડળના પદાધિકારીઓ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સતત સક્રિય કામગીરી કરી રહ્યા છે. આ વર્ષે મંડળ દ્વારા વારલી ચિત્રકળાના 
પ્રચાર-પ્રસારના હેતુથી ગ્રે રંગમાં આકર્ષક ગજરાજ મહલનો દેખાવ તૈયાર કરવામાં આવ્યો છે. એમાં ઊંચા મિનારા, ઝુમ્મર, રંગસંગત અને ગજમુખની કલાત્મક ગોઠવણીની સાથે મરાઠી ભાષા અને સંસ્કૃતિ વિશે જાગૃતિ પણ ફેલાવવામાં આવી રહી છે. મંડળ દ્વારા માત્ર પ્રદર્શન પૂરતું સીમિત ન રહેતાં પર્યાવરણ અને ધ્વનિપ્રદૂષણને અટકાવવા માટે પણ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિસર્જન ડિસ્ક જૉકી (DJ), ઢોલ-તાશા કે ગુલાલનો ઉપયોગ કરવાને બદલે પરંપરાગત બ્રાસ બૅન્ડ અને તાલ-મૃદંગના મધુર નાદ સાથે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલથી વાયુ અને ધ્વનિપ્રદૂષણ નિયંત્રણમાં રહેશે અને પરંપરાગત સંગીત તથા સંસ્કૃતિની ભવ્યતા પણ જળવાઈ રહેશે.
મંડળના પ્રમુખ યોગેશ ભંડારીએ આ વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘આદિવાસી વિસ્તારોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને મદદ પૂરી પાડવાનું આયોજન મંડળ દ્વારા આખું વર્ષ ચલાવવામાં આવે છે. એના જ ભાગરૂપે ગણેશોત્સવ દરમ્યાન દર્શનાર્થીઓ પાસેથી એકઠી થયેલી નોટબુકો અને પેનમાં મંડળ પોતાના તરફથી વધુ આઇટમો ઉમેરીને થાણે અને પાલઘર જિલ્લાના આદિવાસી વિસ્તારોની સ્કૂલોમાં બાળકોને વિતરિત કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK