મુસીબતમાં વ્યક્તિ કેવી રીતે વિચારે છે, કેવાં અનુમાનો લગાવે છે અને કેવી રીતે તેનું દિમાગ કામ કરે છે એ આ ચાર પાત્ર દ્વારા દેખાડ્યું છે : ફિલ્મમાં એક મેસેજ પણ છે કે એક ભૂલ જે-તે વ્યક્તિનું વ્યક્તિત્વ નથી દેખાડતી
`ગહરાઈયાં`નો સીન
ફિલ્મ : ગહરાઈયાં
કાસ્ટ : દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાન્ડે, ધૈર્ય કરવા
ADVERTISEMENT
ડિરેક્ટર્સ : શકુન બત્રા
રિવ્યુ : ત્રણ સ્ટાર (ટાઇમ પાસ)
શકુન બત્રાની ‘ગહરાઇયાં’ ગઈ કાલે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાન્ડે અને ધૈર્ય કરવાએ કામ કર્યું છે. ‘સર્ચિંગ ફૉર શીલા’ ડૉક્યુમેન્ટરીને બાદ કરતાં શકુનની આ ત્રીજી ફિલ્મ છે. તેણે ‘એક મૈં ઔર એક તૂ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ‘કપૂર ઍન્ડ સન્સ’ બનાવી હતી. ધર્મા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ તેની ત્રીજી ફિલ્મ છે.
સ્ટોરી ટાઇમ
દીપિકાએ આ ફિલ્મમાં અલિશા એટલે કે એલનું પાત્ર ભજવ્યું છે. તે પોતાની સ્ટાર્ટ-અપ ઍપ્લિકેશન બનાવી રહી હોય છે અને યોગ ઇન્સ્ટ્રક્ટર હોય છે. તેનો બૉયફ્રેન્ડ કરણ એટલે કે ધૈર્ય રાઇટર હોય છે અને છ વર્ષથી બુક પબ્લિશ કરવા માટે કોશિશ કરી રહ્યો હોય છે. ટિયા એટલે કે અનન્યા અલિશાની કઝિન હોય છે અને પૈસાદાર હોય છે. તે અમેરિકામાં સ્ટડી કરીને આવી હોય છે અને લક્ઝુરિયસ લાઇફ જીવતી હોય છે. તેનો બૉયફ્રેન્ડ ઝેન એટલે કે સિદ્ધાંત રિયલ એસ્ટેટમાં હોય છે. ટિયા, અલિશા અને કરણ બાળપણથી સાથે હોય છે. જોકે કરણ અને ટિયા અમેરિકામાં સ્ટડી કરી રહ્યાં હોય છે આથી તેઓ ખૂબ જ ક્લોઝ હોય છે. જોકે કરણ અલિશાને ડેટ કરી રહ્યો હોય છે. ટિયા અને ઝેન તેમના અલીબાગના બીચ હાઉસમાં કરણ અને અલિશાને ઇન્વાઇટ કરે છે. ઝેનને મળ્યા બાદ અલિશાને ખબર પડે છે કે તેની લાઇફમાં કંઈક ખૂટી રહ્યું છે. ઝેન તેની સાથે ફ્લર્ટ કરે છે અને તેમને બન્નેને સ્પાર્ક મહેસૂસ થાય છે. ત્યાર બાદ ટિયા બે વીક માટે અમેરિકા જાય છે. કરણ પણ તેના કામ માટે બહાર ગયો હોય છે. આ દરમ્યાન ઝેન અને અલિશા વચ્ચે વાતચીત આગળ વધે છે અને એ એટલી આગળ વધે છે કે તેમનું અફેર શરૂ થઈ જાય છે. તેઓ બન્ને તેમના પાર્ટનરથી આ વાત છુપાવીને રાખે છે. જોકે દરેકની લાઇફમાં ખરી સમસ્યા તો અંતમાં આવે છે અને ત્યારે તેમના રિલેશનમાં કેટલી ‘ગહરાઈયાં’ છે એ ખબર પડે છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
આયેશા દેવિત્રે, યશ સહાય અને સુમિત રૉય સાથે મળીને શકુન બત્રાએ આ સ્ક્રીનપ્લે લખ્યો છે. તેમણે આ સ્ક્રિપ્ટમાં દરેક ઇમોશનને રજૂ કર્યાં છે. ઇમોશનથી ભરપૂર આ ફિલ્મમાં કઈ મુસીબતમાં વ્યક્તિ કેવી રીતે વિચારે છે, કેવાં અનુમાનો લગાવે છે અને કેવી રીતે તેનું દિમાગ કામ કરે છે એ આ ચાર પાત્ર દ્વારા દેખાડ્યું છે. આ સાથે જ દરેક ક્લાસની વ્યક્તિના જીવનમાં ઉતાર-ચડાવ આવે છે અને દરેકને એકસરખો પ્રૉબ્લેમ હોવા છતાં એમાં કેટલો તફાવત હોય છે એ અહીં દેખાડવામાં આવ્યું છે. સ્ટોરીમાં મુખ્ય ચાર પાત્ર છે અને આ ચારેયની લાઇફમાં જે પણ થાય છે એ ક્યારેક ને કયારેક આપણી સાથે પણ થયું હોય છે એને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યું છે. ફિલ્મ થોડી ધીમી છે, પરંતુ નાની-નાની વાતોનું ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું છે જેમ કે કરણ તેની ગર્લફ્રેન્ડને બુક પૂરી ન થાય ત્યાં સુધી વાંચવા નથી આપતો પરંતુ તેની બેસ્ટ ફ્રેન્ડ ટિયાને તે દરેક ચૅપ્ટર આપે છે. આ વાતની જાણ જ્યારે અલિશાને થાય છે ત્યારે તેના પર શું વીતે છે એ પણ ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યું છે. આ સાથે જ ટિયા પાસે દરેક વસ્તુ હોય છે અને જેમ પૈસાદાર વ્યક્તિનાં બાળકો પાસે ખૂબ જ સમય હોય છે તેમ ટિયા પણ એમાંથી બાકાત નથી. તે કંટાળો આવતો હોવાથી નવા-નવા ક્લાસ કરવાનું વિચારી રહી હોય છે એ પણ દેખાડવામાં આવ્યું છે. શકુને તેના દિમાગમાં જે ચાલી રહ્યું છે એને સ્ક્રીન પર ખૂબ જ સારી રીતે ઉતાર્યું છે. જોકે તેની આ કૉમ્પ્લેક્સ સ્ટોરી તેના પાત્રમાં પણ ક્યાંક કૉમ્પ્લેક્સ થઈ જાય છે અને અંતમાં તે એમાંથી બહાર નથી આવી શકતો અને ફિલ્મ ત્યાં માર ખાઈ જાય છે. તેમણે સ્ટોરી ખૂબ જ સારી રીતે શરૂ કરી હતી, પરંતુ પ્રી-ક્લાઇમૅક્સ દરમ્યાન એ ઊંધા પાટે ચડી જાય છે અને ક્લાઇમૅક્સને લઈને પણ ખૂબ જ ડિસઅપૉઇન્ટમેન્ટ જોવા મળે છે. આ ફિલ્મ વધુપડતી ડાયલૉગ અને પર્ફોર્મન્સ પર વધુ ડિપેન્ડન્ટ છે.
પર્ફોર્મન્સ
દીપિકા એક મિડલ ક્લાસની વ્યક્તિને સ્ક્રીન પર દેખાડવામાં પૂરેપૂરી સફળ રહી છે. તેના બાળપણનો ટ્રૉમા, તેનાં ઇમોશન્સ તેની બૉડી લૅન્ગ્વેજમાં દેખાઈ આવે છે. તે હંમેશાં જે વસ્તુથી દૂર ભાગતી હોય એ જ અંતે બને છે અને તેની આ જર્નીને રાઇટરે જેટલી સારી રીતે લખી છે એના કરતાં વધુ સારી રીતે દીપિકાએ ભજવી છે. ‘ધ ફૅમિલી મૅન’માં સુચી લોનાવલામાં શું કરે છે એને લઈને એને ખૂબ જ ગાળો આપવામાં આવી હોય છે, પરંતુ અહીં અલિશા ખોટું કરે છે એમ છતાં એના પર દયા આવે છે અને એ જ તેના પર્ફોર્મન્સની કમાલ છે. અનન્યાએ તેની અત્યાર સુધીની ફિલ્મો કરતાં વધુ સારું કામ કર્યું છે. ‘પતિ પત્ની ઔર વો’માં પણ તેણે પૈસાદારનું પાત્ર ભજવ્યું હતું પરંતુ એ ખૂબ જ લાઉડ હતું. અહીં તે એકદમ શાંત અને પોતાનાં ઇમોશન્સથી ઝઝૂમતી જોવા મળી છે. સિદ્ધાંત ખૂબ જ સારો ઍક્ટર છે. ‘ગલી બૉય’ના તેના પર્ફોર્મન્સનાં વખાણ થયાં હતાં, પરંતુ ‘બંટી ઔર બબલી 2’ માટે એટલી જ ગાળો પણ પડી હતી. જોકે અહીં તેણે હિસાબ બરાબર કરી આપ્યો છે. તેણે પણ એક પૈસાદાર અને ફ્લર્ટ કરતા માણસનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. સૌથી ઓછું કામ અને નબળું પાત્ર લખવામાં આવ્યું હોય તો એ ધૈર્યનું છે. તેની પાસે નજીવું કામ હતું, પરંતુ તેણે તેનાથી બનતી તમામ કોશિશ કરી છે. રજત કપૂરને પણ વેડફી કાઢવામાં આવ્યો છે. સૌથી ઓછો સ્ક્રીન ટાઇમ નસીરુદ્દીન શાહનો છે, પરંતુ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’માં જે રીતે નાનકડું પાત્ર ભજવીને તેઓ જ્ઞાન આપી જાય છે એવું જ જ્ઞાન આ ફિલ્મમાં પણ આપે છે. તેના દ્વારા શકુન બત્રાએ ખૂબ જ સારો મેસેજ આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિની લાઇફમાં તેની એક ભૂલ તેનું વ્યક્તિત્વ નથી દેખાડતી. એ સિવાય પણ એ વ્યક્તિ પાસે ઘણુંબધું સારું-સારું હોય છે.
મ્યુઝિક
આ ફિલ્મનું મ્યુઝિક કબીર કથપાલિયા (OAFF)એ અને સવેરા મેહતાએ આપ્યું છે. ફિલ્મમાં ત્રણ જ ગીત છે. ‘ડૂબે’, ‘ગહરાઈયાં’ અને ‘બેકાબૂ’ આ ત્રણેય ગીત ફિલ્મનો જાન છે. આ ગીત ઘણુંબધું કહી જાય છે. ‘બેકાબૂ’ એકદમ ગ્રૂવી હોવાની સાથે એના બોલ પણ સુંદર છે.
આખરી સલામ
હૉલીવુડ સ્ટાર કીઆનુ રીવ્ઝે એક ઇન્ટવ્યુમાં કહ્યું હતું કે ‘જો તમે લવર બનવા માગતા હો તો તમારે પહેલાં ફાઇટર બનવું જોઈએ, કારણ કે જો તમે તમારા પ્રેમ માટે ફાઇટ ન કરી શકો તો એ પ્રેમ ન કહેવાય.’ જોકે કોને પ્રેમ કરવો અને કોને નહીં એ હંમેશાં વ્યક્તિની અંગત ચૉઇસ હોય છે અને એ જ મેસેજ આ ફિલ્મમાં પણ આપવામાં આવ્યો છે.

