‘ગાંધારી’માં તાપસી પન્નુ ઍક્શન અવતારમાં જોવા મળે છે, ‘ધમાલ 4’ હાસ્ય અને ખજાનાની શોધની મજેદાર સફર છે, જ્યારે ‘G.D.N’ આર. માધવનની બાયોપિક છે.
ધમાલ 4
ગાંધારી
તાપસી પન્નુને લીડ રોલમાં ચમકાવતી ‘ગાંધારી’ એક ઍક્શન-થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં બાની નામની માતાની કહાની છે, જેની નાની દીકરી ભીડવાળા રેલવે-સ્ટેશન પરથી ગુમ થઈ જાય છે. દીકરીની શોધ દરમ્યાન બાની પર હિંસક હુમલો થાય છે અને તે પોતાની આંખોની રોશની ગુમાવી દે છે. દીકરીને ગુમાવ્યાનો આઘાત અને અંધત્વ છતાં બાની એક શક્તિશાળી યોદ્ધા બની જાય છે. તે બાળકોની હેરાફેરી કરતી ગૅન્ગ સામે લડે છે. ફિલ્મમાં સ્વસ્તિકા મુખરજી અને મીતા વશિષ્ઠ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.
ADVERTISEMENT
ધમાલ 4
ડિરેક્ટર ઇન્દ્ર કુમારની લોકપ્રિય કૉમેડી ફ્રૅન્ચાઇઝીની ચોથી ફિલ્મ ‘ધમાલ 4’ની વાર્તા છુપાયેલા ખજાનાની શોધથી શરૂ થાય છે. શૈતાન સિંહના ખજાનાનો નકશો મળ્યા બાદ બધા અલગ-અલગ સફરે નીકળે છે, પણ રસ્તામાં અનાડી દરિયાઈ લૂંટારો ‘અધૂરા’ એટલે કે રવિ કિશન નકશો જ સળગાવી દે છે. ત્યાર બાદ આખી ટોળકી એક રહસ્યમય ટાપુ પર પહોંચે છે જ્યાં ધમાલ અને હાસ્યનો સિલસિલો શરૂ થાય છે. ફિલ્મમાં અજય દેવગન, અર્શદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, રવિ કિશન, સંજય મિશ્રા તેમ જ ઈશા ગુપ્તા જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.
G.D.N
આર. માધવનને લીડ રોલમાં ચમકાવતી ‘G.D.N’ મૂળ તામિલ ફિલ્મ છે, જે હિન્દી ડબ વર્ઝનમાં પણ ઉપલબ્ધ રહેશે. આ બાયોપિક ભારતના મહાન આવિષ્કારક અને ઉદ્યોગપતિ ગોપાલસ્વામી દોરાઇસ્વામી નાયડુના જીવન પર આધારિત છે, જેમને ‘ભારતના એડિસન’ તરીકે ઓળખવામાં આવે છે. ૧૯૧૪ના સમયથી શરૂ થતી વાર્તામાં યુવાન નાયડુ એક બ્રિટિશ અધિકારીની મોટરસાઇકલથી પ્રભાવિત થાય છે અને વર્ષો સુધી મહેનત કરીને એ ખરીદે છે. ત્યાર બાદ તે બસ-ટ્રાન્સપોર્ટનું સામ્રાજ્ય ઊભું કરે છે, સ્વદેશી ઇલેક્ટ્રિક મોટર વિકસાવે છે અને શિક્ષણ માટે પૉલિટેક્નિક કૉલેજની સ્થાપના કરે છે. ફિલ્મમાં પ્રિયામણિ અને સત્યરાજ પણ છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.
