સાંઈબાબાનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલા સુધીર દળવીને સેપ્સિસની સારવાર દરમિયાન રણબીર કપૂર, કાર્તિક આર્યન અને અક્ષય કુમારે આર્થિક મદદ કરી હતી.
સુધીર દળવી, રણબીર કપૂર, કાર્તિક આર્યન અને અક્ષય કુમાર
શિરડીના સાંઈબાબાનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલા ઍક્ટર સુધીર દળવીને સેપ્સિસની ગંભીર બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવારનો ખર્ચ સતત વધતો જતો હતો. આર્થિક મુશ્કેલી વચ્ચે તેમનાં પત્ની સુહાસ દળવીએ ખુલાસો કર્યો છે કે એ સમયે રણબીર કપૂર, કાર્તિક આર્યન અને અક્ષય કુમાર સૌથી પહેલાં મદદ માટે આગળ આવ્યા હતા અને હૉસ્પિટલનું બિલ ચૂકવવામાં મદદ કરી હતી.
સુધીર દળવીને બૉલીવુડમાંથી મળેલી મદદ વિશે વાત કરતાં સુહાસ દળવીએ જણાવ્યું હતું કે ‘મને આજે બધાં નામ યાદ નથી પણ કાર્તિક આર્યન, રણબીર કપૂર અને અક્ષય કુમાર મદદ કરનારાઓમાં સૌથી પહેલાં હતા. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ઉપરાંત બહારના ઘણા લોકોએ પણ અમને સહારો આપ્યો. મારા પતિને સૌથી વધુ ઓળખ સાંઈબાબાના પાત્રથી મળી છે. આ કારણે તેમની બીમારીના સમાચાર સાંભળતાં જ અનેક સાંઈભક્તો પણ મદદ માટે આગળ આવ્યા. લોકો કહે છે કે સમાજ અસંવેદનશીલ બની ગયો છે, પણ મારા પતિની બીમારી દરમ્યાન લોકોએ જે પ્રેમ અને ઉદારતા બતાવી એ ખૂબ જ ભાવુક કરી દે એવી હતી. તેઓ હવે ઘરે છે અને ઘરે આવીને ખૂબ ખુશ છે. હું પણ ખુશ છું. હૉસ્પિટલ માત્ર મોંઘી જ નથી હોતી, ત્યાંનું વાતાવરણ પણ દરદી માટે ઘણું ડરાવનારું હોય છે.’
