ફારાહ ખાને તેના અને દીપિકા પાદુકોણ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાના અહેવાલ વિશે સ્પષ્ટતા કરી
ફારાહ ખાન
ફારાહ ખાને ‘ઓમ શાંતિ ઓમ’થી દીપિકા પાદુકોણને બૉલીવુડમાં બ્રેક આપ્યો હતો, પણ હાલમાં આવેલા કેટલાક રિપોર્ટ પ્રમાણે દીપિકા અને ફારાહમાં મતભેદ પ્રવર્તી રહ્યો છે જેના કારણે બન્નેએ સોશ્યલ મીડિયામાં એકબીજાને અનફૉલો કર્યાં છે. જોકે હવે આ સમગ્ર વિવાદ વિશે ફારાહ ખાને સ્પષ્ટતા કરી છે.
દીપિકાને સોશ્યલ મીડિયામાં ફૉલો ન કરવા વિશે ફારાહ ખાને સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ‘અમે પહેલાં પણ એકબીજાને સોશ્યલ મીડિયામાં ફૉલો નહોતાં કરતાં. અમે ‘હૅપી ન્યુ યર’ના શૂટિંગ દરમ્યાન નક્કી કર્યું હતું કે અમે ક્યારેય સોશ્યલ મીડિયાના માધ્યમથી વાત નહીં કરીએ, પણ ડાયરેક્ટ મેસેજ અને કૉલ કરીશું. અમે સોશ્યલ મીડિયા પર બર્થ-ડે વિશ પણ નથી કરતાં, કારણ કે દીપિકાને એ ગમતું નથી. જ્યારે દુઆનો જન્મ થયો ત્યારે દીપિકાને સૌથી પહેલાં મળનારા લોકોમાં હું હતી. અમારા સંબંધો સોશ્યલ મીડિયા પૂરતા નથી, એનાથી વિશેષ છે. આ નકલી વિવાદનો નવો ટ્રેન્ડ બંધ થવો જોઈએ. આનાથી લોકો વચ્ચે ખરેખર સમસ્યા સર્જાય છે.’
ADVERTISEMENT
શું હતો મૂળ વિવાદ?
હાલમાં ફારાહ ખાનના વ્લૉગમાં રસોઈયા દિલીપે તેને પૂછ્યું હતું કે દીપિકા પાદુકોણ શોમાં ક્યારે આવશે? ત્યારે ફારાહે જવાબ આપ્યો કે તે હવે ફક્ત ૮ કલાક શૂટિંગ કરે છે અને તેની પાસે વ્લૉગમાં આવવાનો સમય નથી. જ્યારે દિલીપે ફરીથી પૂછ્યું કે દીપિકા પાદુકોણ મૅડમ આપણા શોમાં ક્યારે આવશે? ત્યારે ફારાહે જવાબ આપ્યો હતો, ‘જે દિવસે તું ગામડે જતો રહ્યો હોઈશ એ દિવસે આવશે. દીપિકા પાદુકોણ હવે ફક્ત ૮ કલાક શૂટિંગ કરે છે અને તેની પાસે શોમાં આવવાનો સમય નથી.’
ફારાહના આવા જવાબથી લોકોને લાગ્યું હતું કે તે દીપિકાને તેની ૮ કલાકની શિફ્ટની ડિમાન્ડ માટે ટૉન્ટ મારી રહી છે અને એ પછી સમાચાર આવ્યા હતા કે ફારાહ અને દીપિકાએ એકબીજાને સોશ્યલ મીડિયા પર અનફૉલો કરી દીધાં છે.


