મેલબર્નમાં ભણતા ગુજરાતી ટીનેજરનો મોબાઇલ લોકલ ટ્રેનમાં છીનવાયો, ગણતરીના કલાકોમાં જ ટ્રેસ કરી લેવાયો : તરુણ સોમૈયા સોમવારે ઑસ્ટ્રેલિયા પાછો જવાનો હતો, પણ આ ઘટનાને લીધે ફ્લાઇટ ચૂકી ગયો : મંગળવારે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને તેને ફોન પાછો આપ્યો
તરુણ સોમૈયાને તેનો ફોન પાછો સોંપતી પોલીસ
ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ૧૯ વર્ષના ગુજરાતી ટીનેજર તરુણ સોમૈયા સાથે સોમવારે રાત્રે ઉંબરમાળી રેલવે-સ્ટેશન નજીક ચાલતી લોકલ ટ્રેનમાં મોબાઇલ છીનવાઈ જવાની ઘટના બની હતી. અજાણ્યો આરોપી ચાલતી ટ્રેનમાં તેનો મોબાઇલ ઝપટ મારીને લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં આસનગાંવ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) તાત્કાલિક સક્રિય બની હતી અને તરુણનો મોબાઇલ શોધવા માટે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ટેક્નિકલ ટ્રૅકિંગના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં સલીમ તાંબોળી નામના આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી ચોરાયેલો મોબાઇલ જપ્ત કર્યો હતો. ગઈ કાલે કાયદેસરની તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ પોલીસ દ્વારા મોબાઇલ તરુણને પાછો આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તરુણ ઑસ્ટ્રેલિયા પાછો ગયો હતો.
રેલવે પોલીસની કામગીરીને બિરદાવતાં તરુણ સોમૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મૂળ નાશિકનો રહેવાસી છું અને હાલ ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં RMIT યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. પહેલા વર્ષની પરીક્ષા પૂરી થતાં રજા હોવાથી હું ઑસ્ટ્રેલિયાથી મુંબઈ આવ્યો હતો. સોમવારે પાછા જવા માટે કસારા રેલવે-સ્ટેશનથી ઘાટકોપર જવા ટ્રેનમાં નીકળ્યો ત્યારે ઉંબરમાળી નજીક ચાલતી લોકલ ટ્રેનમાં અજાણ્યો શખ્સ મારા હાથમાંથી મારો iPhone 17 Pro ઝપટ મારી લઈને ટ્રેનમાંથી કૂદીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતાં જ મેં ઇમર્જન્સી ચેઇન ખેંચીને ટ્રેન રોકાવી હતી અને નીચે ઊતરીને તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી હાથ ન લાગતાં રેલવે-પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની સૂચના મુજબ મારા મિત્રના ફોનથી ‘Find My Phone’ ઍપ દ્વારા લોકેશન ટ્રૅક કરતાં મોબાઇલ મુંબઈ-આગરા હાઇવે તરફ જઈ રહ્યો હોવાનું જણાયું હતું. એના આધારે પોલીસે તરત જ કાર્યવાહી કરીને આશરે છ કિલોમીટર પીછો કરીને હાઇવે પર એક આઇશર વાહન રોકીને આરોપીને ઝડપી પાડી તેની પાસેથી મોબાઇલ જપ્ત કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરીને મોબાઇલ કબજે કરી લીધો હતો. મારી ફ્લાઇટ સોમવારની હતી. જોકે એ દિવસની મારી ફ્લાઇટ છૂટી ગઈ હતી. જોકે ગઈ કાલે મને મારો મોબાઇલ પાછો મળતાં હું પાછો ઑસ્ટ્રેલિયા ફર્યો છું.’
ADVERTISEMENT
આસનગાંવ GRPનાં સિનિયર ઇન્સ્પેક્ટર પ્રીતિ ભગતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પકડાયેલા આરોપીનું નામ સલીમ તાંબોળી હોવાનું સામે આવ્યું છે. તેની અંગત તપાસ દરમ્યાન તેના પૅન્ટના ખિસ્સામાંથી ચોરાયેલો iPhone 17 Pro મળી આવ્યો હતો. આ કેસમાં અમે ગઈ કાલે સવારે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને યુવાનને મોબાઇલ પાછો આપ્યો હતો.’
