Entertainment Updates: ૧.૦૯ હેક્ટર જમીનનો પ્લૉટ વેચ્યો રાકેશ રોશને ૧૫ કરોડ રૂપિયામાં; ટ્રાફિકથી બચવા વરુણે કરી મુંબઈ મેટ્રોમાં મુસાફરી અને વધુ સમાચાર
રણબીરે આ દૃશ્યો કરવા માટે વજન વધારવાને બદલે ખાસ પ્રકારનો ફૅટસૂટ પહેરવાનું પસંદ કર્યું હતું
સંદીપ રેડ્ડી વાંગાની ૨૦૨૩ની હિટ ફિલ્મ ‘ઍનિમલ’માં રણબીર કપૂર લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રણબીરના જીવનના વિવિધ તબક્કાઓ દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં એક તબક્કે રણબીર ગંભીર રીતે ઘાયલ થયા બાદ ઘરે રહીને સાજો થઈ રહ્યો હોય છે ત્યારે તેનું વજન સારું એવું વધી ગયું હોય છે. જોકે હવે ખબર પડી છે કે રણબીરે આ દૃશ્યો કરવા માટે વજન વધારવાને બદલે ખાસ પ્રકારનો ફૅટસૂટ પહેરવાનું પસંદ કર્યું હતું. હાલમાં આ પ્રકારના સૂટ બનાવવાના એક્સપર્ટ સુનીલ મોરવાલ અને અંકિતા દેબનાથે ‘ઍનિમલ’ માટે રણબીરે પહેરેલા ફૅટસૂટ અને અન્ય પ્રોસ્થેટિક્સ બનાવવાની પ્રક્રિયાના ફોટો અને વિડિયો શૅર કર્યા હતા. આ વિડિયો જોઈને લોકોને ખ્યાલ આવ્યો છે કે રણબીરે તેના ખાસ ‘ઍનિમલ’ લુક માટે ફૅટસૂટ પહેરવાનો વિકલ્પ પસંદ કર્યો છે.
ટ્રાફિકથી બચવા વરુણે કરી મુંબઈ મેટ્રોમાં મુસાફરી
ADVERTISEMENT

વરુણ ધવનની લેટેસ્ટ ફિલ્મ ‘બૉર્ડર 2’માં તેની ઍક્ટિંગ લોકોને બહુ ગમી છે. આ સંજોગોમાં વરુણ અલગ-અલગ થિયેટરમાં પહોંચીને દર્શકોને સરપ્રાઇઝ આપી રહ્યો છે. હાલમાં એ જ રીતે સબર્બના એક થિયેટરમાં જતી વખતે ટ્રાફિકથી બચવા વરુણે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરી હતી, જેના અનેક વિડિયો હવે સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. આવા એક વિડિયોમાં વરુણ મેટ્રો સ્ટેશન તરફ જતો, મેટ્રોમાં પ્રવેશ કરતો અને બહાર નીકળતો જોવા મળે છે. એ દરમ્યાન વરુણે બ્લુ જીન્સ, વાઇટ શર્ટ, માથા પર કૅપ અને ચહેરા પર માસ્ક પહેર્યો છે. વરુણ ધવને પોતે પણ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં મેટ્રોમાં પ્રવાસ કરતી પોતાની એક તસવીર શૅર કરી છે.
બેસ્ટ ફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીમાં વૉકિંગ-સ્ટિક સાથે પહોંચ્યો હૃતિક

સોનાલી બેન્દ્રેના પતિ ગોલ્ડી બહલે શનિવારે પોતાની ૪૧મી વર્ષગાંઠન ઊજવી હતી. આ બર્થ-ડેની પાર્ટીમાં અનેક ફિલ્મી સિતારાઓ હાજર રહ્યા હતા. આ પાર્ટીમાં ઑલ બ્લૅક લુકમાં આવેલા હૃતિક રોશને બધાનું ધ્યાન ખેંચ્યું હતું, કારણ કે તે ચાલતી વખતે વૉકિંગ-સ્ટિકનો સહારો લેતો જોવા મળ્યો હતો. હકીકતમાં હૃતિકને પગમાં ઈજા થઈ છે અને હાલમાં તે એમાંથી રિકવર થઈ રહ્યો છે. હૃતિક અને અભિષેક બચ્ચન બન્ને ગોલ્ડી બહલના નાનપણના મિત્રો છે એટલે આ પાર્ટીમાં અભિષેક પણ ઑરેન્જ શર્ટ પહેરીને પહોંચ્યો હતો. એ સિવાય પાર્ટીમાં સીમા સજદેહ અને ઝાયેદ ખાન પણ હાજર હતાં.
અદા શર્માએ વૈદિક પાઠશાળાના વિદ્યાર્થીઓ સાથે કર્યો મહિષાસુરમર્દિની સ્તોત્રનો સામૂહિક પાઠ

અદા શર્માએ શનિવારે ગુપ્ત નવરાત્રિના પવિત્ર અવસર પર ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા શ્રી મહા મૃત્યુંજય મંદિરની મુલાકાત લીધી હતી. આ ભક્તિમય કાર્યક્રમમાં તેણે શ્રી હરિહર આશ્રમની વૈદિક પાઠશાળાના વિદ્યાર્થીઓ સાથે જોડાઈને મહિષાસુરમર્દિની સ્તોત્રનો સામૂહિક પાઠ કર્યો હતો. અદાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ ક્ષણનો વિડિયો શૅર કર્યો છે જેમાં તે ઊર્જાથી ભરપૂર વિદ્યાર્થીઓ સાથે સ્તોત્રનું ગાન કરતી જોવા મળે છે.
અભય દેઓલે સ્ટેમ સેલ થેરપીની મદદથી મેળવ્યો સાયટિકાથી છુટકારો

અભય દેઓલ રિયલ લાઇફમાં બહુ પ્રાઇવેટ વ્યક્તિ છે. તેને પોતાની વ્યક્તિગત જિંદગી અને હેલ્થ સંબંધી મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરવાનું ગમતું નથી. હાલમાં અભયે પોતાની એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે ‘છેલ્લાં ઘણાં વર્ષોથી હું ઘૂંટણના દુખાવા અને સાયટિકા જેવી સમસ્યા સામે ઝઝૂમી રહ્યો હતો. જોકે આ સમસ્યા માટે મેં સ્ટેમ સેલ થેરપી લીધી હતી, જેને કારણે મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ.’ અભય દેઓલે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘મને ડાબા પગમાં સ્લિપ ડિસ્કને કારણે સાયટિકાની સમસ્યા થઈ હતી અને સમય જતાં દુખાવો એટલો વધી ગયો હતો કે હું જિંદગી પ્રત્યે નિરાશા અનુભવવા લાગ્યો હતો. હું કોઈ પણ પ્રકારની સર્જરી અને ખાસ કરીને કમરની સર્જરી કરાવવાથી બચવા માગતો હતો. એ સમય દરમ્યાન મેં અન્ય ટ્રીટમેન્ટ વિકલ્પો વિશે વાંચવાનું શરૂ કર્યું. ઘણાં રિસર્ચ કર્યા બાદ મારી નજર સ્ટેમ સેલ થેરપી પર પડી.’ આ ખાસ ટ્રીટમેન્ટ વિશે વાત કરતાં અભય દેઓલે કહ્યું, ‘મને સ્ટેમ સેલ થેરપી ટ્રીટમેન્ટ ખૂબ જ સેફ અને નૅચરલ લાગી. આ વિશ્વાસ સાથે મેં સાઉથ કોરિયામાં આ થેરપી કરાવી. આમાં કોઈ પણ પ્રકારની સિન્થેટિક વસ્તુનો ઉપયોગ થયો નહોતો, પરંતુ મારા પોતાના શરીરની કોષિકાઓએ જ હીલિંગમાં મદદ કરી.’
૧.૦૯ હેક્ટર જમીનનો પ્લૉટ વેચ્યો રાકેશ રોશને ૧૫ કરોડ રૂપિયામાં
હૃતિક રોશનના પિતા રાકેશ રોશને પુણે જિલ્લાના હવેલી તાલુકાના લોહેગાવ ગામમાં આવેલો તેમનો ૧.૦૯ હેક્ટર જમીનનો પ્લૉટ ૧૫ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. દસ્તાવેજો પ્રમાણે રાકેશ રોશન અને CP Lands LLP નામની કંપની વચ્ચેનો ડીડ ઑફ કન્વેયન્સ ગયા વર્ષે ૨૬ ડિસેમ્બરે કરવામાં આવ્યો છે. આ સોદા પર ૧.૦૫ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવવામાં આવી હતી.


