નેટફ્લિક્સની ડાઇનિંગ વિથ ધ કપૂર્સના ટ્રેલરમાં આલિયા ભટ્ટની ગેરહાજરી ઊડીને આંખે વળગી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બૉલીવુડમાં કપૂર પરિવારનો ખાસ દબદબો છે. આ પરિવારના તમામ સભ્યો ખાનપાનના શોખીન છે. હવે નેટફ્લિક્સની ડૉક્યુમેન્ટરી ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’માં કપૂર પરિવારના તમામ સભ્યો એકસાથે ભોજન બનાવતાં અને પછી સાથે બેસીને એની મજા માણતાં જોવા મળશે. શુક્રવારે આ ડૉક્યુમેન્ટરીનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરમાં કપૂર પરિવારના તમામ સભ્યોની સાથે-સાથે જમાઈ સૈફ અલી ખાન પણ જોવા મળ્યો હતો. જોકે આ ટ્રેલરમાં રણબીરની પત્ની આલિયા અને દીકરી રાહા ગેરહાજર હતાં અને તેમની આ ગેરહાજરી જ ચર્ચાનું કારણ બની છે. આ ડૉક્યુમેન્ટરી ૨૧ નવેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’ના ટ્રેલરની શરૂઆત રાજ કપૂરની ૧૦૦મી જન્મજયંતી પર આખા પરિવારના ભેગા થવાથી થાય છે. એમાં રણબીર તેમના કઝિન સાથે ભોજન બનાવતો પણ જોવા મળે છે અને બધા પોતાની ખાસ પારિવારિક પળોને શૅર કરે છે.


