તેણે કહ્યું કે અમે ભલે પરંપરાગત રીતે લગ્ન કર્યાં નથી, પણ હું મનથી તેને વરી ચૂકી છું
ડાયના પેન્ટીએ ખુલાસો કર્યો છે કે તે છેલ્લાં બાર વર્ષથી હીરાના વેપારી હર્ષ સાગર સાથે લિવ-ઇન રિલેશનશિપમાં છે
‘કૉકટેલ’ જેવી ફિલ્મથી સારી એવી લોકપ્રિયતા મેળવનાર ડાયના પેન્ટીએ ખુલાસો કર્યો છે કે તે છેલ્લાં બાર વર્ષથી હીરાના વેપારી હર્ષ સાગર સાથે લિવ-ઇન રિલેશનશિપમાં છે. હાલમાં ૩૯ વર્ષની ડાયનાએ એક ઇન્ટરવ્યુમાં પોતાની પર્સનલ લાઇફ વિશે કહ્યું, ‘હા હું સિંગલ નથી. હું છાપરે ચડીને આ વાતની જાહેરાત નહીં કરું, પણ હું અને મારો પાર્ટનર બાર વર્ષથી સાથે છીએ. અમે એકબીજાને બાવીસ વર્ષથી ઓળખીએ છીએ. હું ભલે દેખીતી રીતે પરણેલી નથી પણ મારા મનમાં હું તેને પરણી ચૂકી છું. અમારા બન્નેનું જીવન દંપતી જેવું છે. અમે સાથે રહીએ છીએ અને અમારું એક પેટ છે જેની અમે સંભાળ રાખીએ છીએ. અમે માત્ર પરંપરાગત લગ્ન કર્યાં નથી, કોઈ પેપરવર્ક નથી કર્યું. અમારા બન્નેના પરિવારો આ મામલે ખૂબ જ નૉર્મલ છે અને તેઓ અમારા સંબંધને માન આપે છે. તેમની પ્રાથમિકતા અમારી ખુશી છે. એવું નથી કે અમને લગ્નનો કન્સેપ્ટ નથી ગમતો, પણ એનાથી મને કે તેને કોઈ ફરક પડતો નથી.’
ડાયનાએ ગયા વર્ષે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને પોતાના પાર્ટનર હર્ષ સાગરને જન્મદિવસની શુભેચ્છા આપીને પહેલી વખત પોતાનો સંબંધ જાહેર કર્યો હતો. હર્ષ સાગર હીરાનો વેપારી છે અને તે પોતાના અંગત જીવનને ખૂબ જ ખાનગી રાખે છે.

