દીપિકા પાદુકોણે પોતાની પોસ્ટમાં કહ્યું કે શાંત રહેવું કમજોરી નથી, એ ખાસ ગુણ છે
દીપિકા પાદુકોણ
હૉલીવુડની સિરીઝ ‘ધ વાઇટ લોટસ’ની ચોથી સીઝન માટે ઑડિશન આપવાનો ઇનકાર કર્યાની ચર્ચા વચ્ચે દીપિકા પાદુકોણે એક નોંધ શૅર કરી છે. એક રિપોર્ટ પ્રમાણે મેકર્સે દીપિકાનો સીઝન ૪ માટે સંપર્ક કર્યો હતો અને તેને ઑડિશન આપવા કહ્યું હતું. જોકે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દીપિકાએ ઑડિશન આપવા માટે ઇનકાર કર્યો હતો જેના કારણે તેને આ સીઝનમાં લેવાનો વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો. હવે દીપિકાએ આ રિપોર્ટ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પણ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે.
દીપિકાએ પોતાની નોટમાં લખ્યું હતું, ‘શાંત રહેવું સૌથી મોટું શક્તિપ્રદર્શન છે. કોઈ પણ વ્યક્તિ પિત્તો ગુમાવી શકે છે, ઝડપથી રીઍક્ટ કરી શકે છે, ઊંચા અવાજમાં બોલી શકે છે અને હોબાળો મચાવી શકે છે. એમાં જરા પણ શક્તિ લાગતી નથી. સાચી શક્તિ ત્યારે દેખાય છે જ્યારે અફરાતફરી મચી જાય અને તમે ન ઝૂકો, જ્યારે ડ્રામા તમને ખેંચવાનો પ્રયાસ કરે અને તમે જમીન સાથે જોડાયેલા રહો, જ્યારે જીવન વારંવાર તમને પરેશાન કરે અને તમે આવેગભર્યા પ્રતિભાવની જગ્યાએ કન્ટ્રોલ પસંદ કરો. હા, એમાં મહેનત લાગે છે.’
ADVERTISEMENT
પ્રતિભાવને કન્ટ્રોલ કરવા માટે બકવાસ પ્રતિક્રિયાઓને અવગણવી પડે છે, બેચેની સાથે બેસવું પડે છે અને ભાવનાઓને હાવી ન થવા દેવી પડે છે. શાંત રહેવું કમજોરી નથી, એ ખાસ ગુણ છે. એનો અર્થ એ છે કે તમારે કંઈ સાબિત કરવાની, બધું સમજાવવાની કે દરેક પર પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. જ્યારે બીજા લોકો ગભરાઈને એનર્જી વેડફે છે ત્યારે તમે શાંતિથી તેમ જ સ્પષ્ટતા સાથે અને ઇરાદાપૂર્વક આગળ વધો છો. શોરની આદતવાળી દુનિયામાં શાંત રહેવું એક મોટો સુપરપાવર છે.
