સુહાનાના કહેવાતા બૉયફ્રેન્ડ સાથે જોવા મળ્યો શાહરુખ અને વધુ સમાચાર
પ્રતીકાત્મક તસવીર
દીપિકા પાદુકોણે તેની આગામી ફિલ્મ ‘કલ્કી 2898 AD’નું ડબિંગ હિન્દી અને કન્નડા બન્નેમાં કર્યું છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દિશા પાટણીની આ ફિલ્મને સાઉથના નાગ અશ્વિને ડિરેક્ટ કરી છે. ૨૭ જૂને રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું ડબિંગ દીપિકાએ પૂરું કરી લીધું છે. આ ફિલ્મને હિન્દીમાં ડબ કરવાની સાથે દીપિકાએ તેની માતૃભાષા કન્નડામાં પણ કરી છે. દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણનો જન્મ કર્ણાટકના બૅન્ગલોરમાં થયો હતો. તેઓ હજી પણ ત્યાં જ રહે છે. દીપિકાએ ૨૦૦૬માં આવેલી તેના કરીઅરની પહેલી ફિલ્મ ‘ઐશ્વર્યા’માં પહેલી વાર કન્નડામાં ડબિંગ કર્યું હતું અને ત્યાર બાદ તે ‘કલ્કી 2898 AD’માં બીજી વાર ડબિંગ કરી રહી છે.
સ્ટેપ-ડૉટર કેમ મમ્મી નથી કહેતી દિયા મિર્ઝાને?
દિયા મિર્ઝાને તેની સ્ટેપ-ડૉટર સમાયરા મમ્મી કહીને નહીં પણ દિયા કહીને બોલાવે છે. દિયાએ ૨૦૨૧માં વૈભવ રેખી સાથે લગ્ન કર્યાં હતાં. એ વખતે વૈભવને પહેલાં મૅરેજથી સમાયરા નામની દીકરી હતી. જોકે સમાયરા તેને મમ્મી નથી કહેતી એનાથી દિયાને પણ કોઈ વાંધો નથી. તેનું કહેવું છે કે સમાયરાની સગી મમ્મી હજી હયાત છે.
સુહાનાના કહેવાતા બૉયફ્રેન્ડ સાથે જોવા મળ્યો શાહરુખ
શાહરુખ ખાન રવિવારે રાતે મુંબઈ ઍરપોર્ટ પર તેની દીકરી સુહાના અને તેના કહેવાતા બૉયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે જોવા મળ્યો હતો. શાહરુખની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સની મૅચ શનિવારે કલકત્તામાં હતી. ત્યાર બાદ તેઓ મુંબઈ પાછાં આવ્યાં હતાં. ઝોયા અખ્તરની ‘ધ આર્ચીઝ’માં કામ કર્યા બાદ સુહાના અને અગસ્ત્ય એકમેકની નજીક આવ્યાં હતાં. તેમની સાથે સુહાનાનો નાનો ભાઈ અબરામ પણ હતો. ગયા વર્ષે ક્રિસમસ દરમ્યાન અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્યએ તેના ઘરે સુહાનાને તેની પાર્ટનર તરીકે ઇન્ટ્રોડ્યુસ કરી હોવાની ચર્ચા હતી.
બૉલીવુડનાં નવાં બેસ્ટ ફ્રેન્ડ?
સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર હાલમાં જ ડિનર-ડેટ પર જોવા મળ્યાં હોવાથી તેઓ બૉલીવુડનાં નવાં બેસ્ટ ફ્રેન્ડ હોવાની ચર્ચા ચાલી રહી છે. એક વિડિયો વાઇરલ થયો છે જેમાં મૃણાલ અને સિદ્ધાંત એકમેકને ભેટીને અલગ થતાં જોવા મળી રહ્યાં છે. સિદ્ધાંત અને નવ્યા નવેલી નંદા એકમેકને ડેટ કરી રહ્યાં હોવાના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા છે. જોકે મૃણાલ સાથે સિદ્ધાંત દેખાયો હોવાથી હવે તેઓ ચર્ચાનો વિષય બન્યાં છે. જોકે હકીકત એ છે કે તેઓ બન્ને સંજય લીલા ભણસાલી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મની જાહેરાત હજી સુધી નથી થઈ, પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.
કરીનાએ બનાવેલી કેક પર તૂટી પડ્યાં તેનાં બાળકો
કરીના કપૂર ખાને રવિવારે મધર્સ ડે સેલિબ્રેશન માટે ઘરે કેક બનાવી હતી. એમાં તેના બે દીકરા તૈમુર અને જેહે મદદ કરી હતી. જોકે તેના આ બન્ને દીકરાઓ જ એ ખાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. કરીનાએ કેક બનાવતા દીકરાઓનો ફોટો શૅર કર્યો હતો. એ ફોટોમાં દેખાય છે કે તૈમુર હરખથી કેક બનાવી રહ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી, ‘જણાવો, મધર્સ ડેની મારી કેક કોણ ખાઈ ગયું હશે?’ કરીનાના ફૅન્સે પણ તેને જવાબ આપ્યો, ‘તૈમુર અને જેહે કેક ખતમ કરી હશે.’
સલમાન ખાનને થઈ શકે છે કરોડો રૂપિયાનું નુકસાન?
‘બિગ બૉસ OTT 3’માંથી સલમાન ખાનની એક્ઝિટ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ શો ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવે છે. એની અગાઉની સીઝન સલમાને હોસ્ટ કરી હતી. એવું જાણવા મળ્યું છે કે સલમાન પાસે આ શોને હોસ્ટ કરવાનો સમય નથી, કેમ કે તે તેના અન્ય પ્રોજેક્ટમાં બિઝી છે. આ જ કારણ છે કે આ વખતે આ શોની જવાબદારી કદાચ કરણ જોહર, સંજય દત્ત કાં તો અનિલ કપૂરને સોંપવામાં આવે. કરણ જોહરે આ શોની પહેલી સીઝન હોસ્ટ કરી હતી. જોકે શોના મેકર્સની ઇચ્છા છે કે સલમાન આ શોને હોસ્ટ કરે. બીજી તરફ શોના મેકર્સ કન્ટેસ્ટન્ટ્સને ફાઇનલ કરવામાં બિઝી છે. શોને કોણ હોસ્ટ કરશે એના પરથી જલદી પડદો ઊઠશે એવી આશા રાખીએ.
બંગલા સાહિબ ગુરુદ્વારા પહોંચી સારા
સારા અલી ખાન ગઈ કાલે દિલ્હીમાં આવેલા બંગલા સાહિબ ગુરુદ્વારા ગઈ હતી. સારા તેની બેસ્ટ ફ્રેન્ડ સારા વૈસોહા સાથે ગઈ હતી. તેની ફ્રેન્ડનું નામ પણ સારા છે અને તે લૉયર છે. મોટા ભાગે તેઓ બન્ને સાથે ફરવા જાય છે. તેઓ બન્ને જ્યારે પણ ફરવા જાય છે ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખે છે કે બન્નેનાં કપડાં મૅચિંગ હોય.
નાની ઉંમરે ઘર છોડ્યું હોવા વિશે આલિયાએ કહ્યું : હું રાહાને એવું નહીં કરવા દઉં
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની દીકરી રાહાને લઈને ખૂબ પ્રોટેક્ટિવ છે. આલિયાએ ૨૦૨૨ની ૬ નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો. આલિયા અને રણબીર વધુમાં વધુ સમય તેમની લાડલી દીકરીને આપે છે. આલિયાએ નાની ઉંમરે ઘર છોડી દીધું હતું. એ વિશે આલિયા કહે છે, ‘હું ૨૩ વર્ષની હતી ત્યારે મેં ઘર છોડ્યું હતું. હું લાંબા શૂટિંગ-શેડ્યુલ્સમાં બિઝી રહેતી હતી અને ક્યારેક તો મને પોતાને જાણ નહોતી કે હું કયા શહેરમાં છું? હું જ્યારે ભૂતકાળ પર નજર નાખું છું ત્યારે અહેસાસ થાય છે કે હું વહેલી મારા પગ પર ઊભી રહી ગઈ હતી. તાજેતરમાં મારા પાપાએ મને કહ્યું કે ‘જો તું રાહાને પડવા નહીં દે તો એ તારી સૌથી મોટી ભૂલ હશે, કારણ કે તે જાતે પગ પર ઊભી રહેતાં નહીં શીખે.’ મારી લાઇફની અને રિલેશનશિપની આ જ વ્યાખ્યા છે. જોકે મને એવું લાગે છે કે મેં બહુ જલદી ઘર છોડ્યું હતું એટલે રાહા સાથે આવું નહીં થવા દઉં.’