આ પગલું મંત્રાલય દ્વારા દેશમાં માનસિક આરોગ્ય માટે વધુ સારું વાતાવરણ બનાવવાની દિશામાં એક મોટો પ્રયાસ છે
ગઈ કાલે કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટર જે.પી. નડ્ડા અને કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી પુણ્યા સલિલા શ્રીવાસ્તવ સાથે દીપિકા પાદુકોણ
ઍક્ટ્રેસ અને ‘ધ લિવ લવ લાફ’ ફાઉન્ડેશનની સ્થાપક દીપિકા પાદુકોણની કેન્દ્ર સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા દેશની પ્રથમ ‘મેન્ટલ હેલ્થ ઍમ્બૅસૅડર’ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ પગલું મંત્રાલય દ્વારા દેશમાં માનસિક આરોગ્ય માટે વધુ સારું વાતાવરણ બનાવવાની દિશામાં એક મોટો પ્રયાસ છે.
દીપિકાની પસંદગી વિશે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ પ્રધાન જે. પી. નડ્ડાએ કહ્યું છે કે દીપિકા પાદુકોણ સાથે આ ભાગીદારી ભારતમાં માનસિક આરોગ્યના મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવવામાં, આ વિષયો પર સામાન્ય ચર્ચા વધારવામાં અને માનસિક આરોગ્યને જાહેર આરોગ્યનો મહત્ત્વનો ભાગ બનાવવામાં મદદ કરશે.
ADVERTISEMENT
દીપિકા પાદુકોણ પણ દેશની પ્રથમ મેન્ટલ હેલ્થ ઍમ્બૅસૅડર તરીકે પોતાની પસંદગીથી ઉત્સાહી છે. તેણે કહ્યું હતું કે ‘મને કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય માટે પહેલી મેન્ટલ હેલ્થ ઍમ્બૅસૅડર બનવાનું અત્યંત મોટું ગૌરવ મળ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે માનસિક આરોગ્યની કાળજીને પ્રાથમિકતા આપી છે. હું મંત્રાલય સાથે મળીને આ કામને આગળ વધારવા અને આપણા દેશના માનસિક આરોગ્યને મજબૂત બનાવવા તૈયાર છું.’


