આસ્ક મી સેશન દરમ્યાન પાકિસ્તાની ફૅનના આ સવાલનો વરુણ ધવને બહુ કુનેહપૂર્વક જવાબ આપ્યો
`બૉર્ડર 2`નું પોસ્ટર
વરુણ ધવનની ૨૩ જાન્યુઆરીએ આવનારી ફિલ્મ ‘બૉર્ડર 2’માં તે સની દેઓલ, દિલજિત દોસાંઝ અને અહાન શેટ્ટી સાથે જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ પહેલાં વરુણે પોતાના સોશ્યલ મીડિયા પર ‘આસ્ક મી’ સેશન રાખ્યું, જેમાં તેણે ફૅન્સના અનેક સવાલોના જવાબ આપ્યા. આ સેશનમાં એક પાકિસ્તાની ફૅને પૂછ્યું, ‘ભાઈ, ‘બૉર્ડર 2’ પાકિસ્તાનમાં ક્યારે રિલીઝ થશે? હું તારા સિંહનો મોટો ફૅન છું. તેમને મારા સલામ કહેજો.’
આ સવાલના જવાબમાં વરુણે કુનેહપૂર્વક જવાબ આપતાં કહ્યું કે ‘‘બૉર્ડર 2’ 1971ના યુદ્ધ અને એની સાથે જોડાયેલી કેટલીક સાચી ઘટનાઓ પર આધારિત છે. મને વિશ્વાસ છે કે સનીસરના પાકિસ્તાનમાં પણ ફૅન્સ હશે.’
ADVERTISEMENT
‘બૉર્ડર 2’ ૧૯૯૭ની ક્લાસિક ફિલ્મ ‘બૉર્ડર’ની સીક્વલ છે. એમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ૧૯૭૧ના યુદ્ધનો સંદર્ભ હોવાથી એને પાકિસ્તાનમાં રિલીઝ કરવા માટે લીલી ઝંડી મળશે કે નહીં એ મામલે કોઈ સ્પષ્ટતા નથી.
૩ કલાકથી પણ લાંબી છે બૉર્ડર 2?
સની દેઓલ, દિલજિત દોસાંઝ, અહાન શેટ્ટી અને વરુણ ધવનને ચમકાવતી ‘બૉર્ડર 2’ ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે અને રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મનો રનટાઇમ પણ ૩ કલાકથી વધુ હોઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ લગભગ ૨૦૦ મિનિટ એટલે કે આશરે ૩ કલાક ૨૦ મિનિટ જેટલી લાંબી હોઈ શકે છે. ફાઇનલ એડિટિંગ પછી રનટાઇમમાં થોડું ઉપર-નીચે થઈ શકે છે અને થોડા જ દિવસોમાં ફિલ્મનો અંતિમ સમયગાળો નક્કી થઈ જશે.
મેકર્સનું માનવું છે કે આ ફિલ્મમાં યુદ્ધને યોગ્ય રીતે દર્શાવવાના હેતુથી એનો રનટાઇમ વધુ હોવો જરૂરી છે. આ સિવાય ફિલ્મમાં ૪ કલાકારો સની દેઓલ, દિલજિત દોસાંઝ, વરુણ ધવન અને અહાન શેટ્ટી જોવા મળશે અને દરેકના પાત્રને પૂરતી સ્પેસ આપવી જરૂરી છે. આ કારણથી ફિલ્મ લાંબી રાખવામાં આવી છે.


