૨૦૧૮માં ઇરફાનને કૅન્સરનું નિદાન થયું હતું
પિતા ઇરફાનના નિધન બાદ પોતાને દોઢ મહિનો રૂમમાં લૉક કરી રાખ્યો હતો બબીલે
પિતા ઇરફાનના નિધન બાદ બબીલ ખાને પોતાને દોઢ મહિના સુધી રૂમમાં લૉક કરી રાખ્યો હતો. તે એ વાત સ્વીકારવા જ તૈયાર નહોતો. ૨૦૧૮માં ઇરફાનને કૅન્સરનું નિદાન થયું હતું. તેની સારવાર માટે તે યુકે ગયો હતો. ૨૦૧૯માં ટ્રીટમેન્ટ પૂરી કર્યા બાદ તે ભારત પાછો ફર્યો હતો. ગઈ કાલે ઇરફાનની બર્થ-ઍનિવર્સરી હતી. ૨૦૨૦ની ૨૯ એપ્રિલે તેનું નિધન થયું હતું. એ નિમિત્તે બબીલે કહ્યું કે ‘ડૅડીનું અવસાન થતાં પહેલાં તો મને વિશ્વાસ જ નહોતો બેસતો. એક અઠવાડિયું પસાર થયું. ત્યાર બાદ મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. મેં દોઢ મહિના સુધી પોતાને એક રૂમમાં લૉક કરી રાખ્યો હતો. તેઓ લાંબા સમય સુધીના શૂટિંગ-શેડ્યુલ પર જતા હતા, એથી તેમના નિધન બાદ મેં પોતાને દિલાસો આપ્યો કે તેઓ લાંબા શૂટિંગ-શેડ્યુલ માટે ગયા છે અને પછી પાછા આવી જશે. જોકે ત્યાર બાદ એવો એહસાસ થવા માંડ્યો કે આ કદી ન પૂરું થનારું શૂટિંગ-શેડ્યુલ છે.’


