આશુતોષ રાણા માને છે કે રેણુકા શહાણે શાનદાર ઍક્ટ્રેસ અને ઉત્તમ નિર્દેશક છે
આશુતોષ રાણા અને ઍક્ટ્રેસ રેણુકા શહાણે
આશુતોષ રાણાએ હાલમાં પત્ની અને ઍક્ટ્રેસ રેણુકા શહાણેના નિર્દેશનમાં કામ કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં આશુતોષે કહ્યું હતું કે ‘રેણુકા ખૂબ જ પ્રતિભાશાળી છે અને તેની સાથે કામ કરવું એક શાનદાર અનુભવ હશે. હું કોઈ પણ પ્રોજેક્ટ પર તેની સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સાહિત છું. હું ચોક્કસપણે તેના નિર્દેશનમાં કામ કરવા દિલથી ઇચ્છું છું. અત્યાર સુધી લોકોએ અમને ફક્ત પતિ-પત્ની તરીકે જ જોયાં છે, પરંતુ હું ઇચ્છું છું કે તે મને ડિરેક્ટ કરે, કારણ કે તે એક શાનદાર અભિનેત્રી અને ઉત્તમ નિર્દેશક છે. એક અભિનેતા તરીકે હું તેના નિર્દેશનમાં કામ કરવા માટે ખૂબ ઉત્સાહિત છું.’
આશુતોષ રાણાએ ૨૦૦૧ની ૨૫ માર્ચે રેણુકા શહાણે સાથે લગ્ન કર્યાં હતાં. બન્નેની મુલાકાત હંસલ મહેતાની ફિલ્મ ‘પ્રિવ્યુ’ દરમ્યાન થઈ હતી. જોકે આ ફિલ્મ ક્યારેય રિલીઝ ન થઈ, પરંતુ આ મુલાકાતે તેમનું જીવન બદલી નાખ્યું.


