અનુપમ ખેરે સ્વીકાર્યું કે તેમનાં લગ્ન પર્ફેક્ટ નથી; પણ એ પરસ્પર આદર, સહાનુભૂતિ અને વર્ષોની મિત્રતાના પાયા પર ટકેલાં છે
અનુપમ ખેર અને કિરણ ખેર
ચાર દાયકાથી લગ્નગ્રંથિથી જોડાયેલાં અનુપમ ખેર અને કિરણ ખેરની ગણતરી પ્રેમાળ દંપતી તરીકે થાય છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં અનુપમ ખેરે પોતાના લગ્નજીવન વિશે વિગતવાર વાત કરી છે અને સ્વીકાર્યું છે કે તેમનાં લગ્ન પર્ફેક્ટ નથી; એ પરસ્પર આદર, સહાનુભૂતિ અને વર્ષોની મિત્રતાના પાયા પર ટકેલાં છે.
અનુપમે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘૪૦ વર્ષનાં લગ્નમાં બધું સારું જ હોય એ શક્ય નથી, એમાં ફસ્ટ્રેશનના તબક્કા પણ આવે છે. મારાં માતા-પિતાનું લગ્નજીવન ૫૯ વર્ષનું હતું અને એ પણ શ્રેષ્ઠ નહોતું. શ્રેષ્ઠ લગ્ન એ છે જેમાં એકબીજા માટે પરસ્પર આદર હોય.’
ADVERTISEMENT
કિરણના સ્વભાવ વિશે વાત કરતાં અનુપમે જણાવ્યું હતું કે ‘તે અંધશ્રદ્ધાળુ છે. તે હંમેશાં નકારાત્મક વિચારે છે. જોકે હવે આનું પ્રમાણ ઓછું થયું છે પણ શરૂઆતમાં આવું બહુ થતું. હવે અમે અલગ-અલગ રૂમમાં રહીએ છીએ, કારણ કે દરેકની પોતાની આદત હોય છે. જો હું વૉશરૂમમાં જાઉં તો તેને લાગે છે કે હું ટૉઇલેટ-સીટ બંધ નહીં કરું. તેને લાગે છે કે હું લાઇટ બંધ નહીં કરું. આને કારણે હું જેવો બેડ પરથી ઊઠું છું ત્યારે તે બૂમ પાડે છે : ‘લાઇટ બંધ કરી?’ અને હું કહું છું : ‘કિરણજી, હજી અંદર ગયો નથી.’ તેનો આગળનો સવાલ હોય છે : ‘ફ્લશ કર્યું?’ શરૂઆતમાં આવો સવાલ સાંભળીને મને બહુ નવાઈ લાગતી હતી પણ પછી મને આ એકદમ કૉમેડી જેવું લાગવા માંડ્યું. હું વિચારતો કે તે ખૂબ રમૂજી છે.’
અનુપમે આ ઇન્ટરવ્યુમાં પત્ની કિરણના નિખાલસ સ્વભાવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘તે ક્યારેક અત્યંત સ્પષ્ટવક્તા હોય છે, પરંતુ પછી મને ખ્યાલ આવે છે કે તે આ વાતમાં સાચી હતી. તે ફિલ્મ જુએ છે અને તેને ન ગમે તો સ્પષ્ટ કહે છે કે તેં બિલકુલ સારું કામ નથી કર્યું. શરૂઆતના સમયમાં તે મારી સાથે મારો હાથ પકડીને ટ્રાયલ શો માટે જતી અને પછી જો તેને ઍક્ટિંગ ન ગમે તો ધીમે-ધીમે પોતાનો હાથ છોડાવી લેતી, જાણે તેનો મારી સાથે કોઈ સંબંધ જ ન હોય. પછી તે મને ખરાબ ઍક્ટિંગ માટે કહેતી ઃ ‘યે ક્યા કર રહા હૈ તૂ, મુઝે બરબાદ કર રહા હૈ. પાગલ હો ગયા હૈ તૂ? સદ્નસીબે છેલ્લાં ૧૦-૧૫ વર્ષના લગ્નજીવનમાં આવું નથી થયું, કારણ કે મેં કેટલાંક સારાં કામ કર્યાં છે. અમે એકબીજાને ‘તમે’ નથી કહેતાં. અમે સમાન છીએ. અમારા ઘરમાં ફિલ્મી વાતાવરણ નથી. કિરણનો સ્વભાવ રમૂજી છે. તે ઇરાદાપૂર્વક એવું નહીં કરતી હોય પણ મને તે રમૂજી લાગે છે. મારાં લગ્નમાં ઉતાર-ચડાવ આવ્યા છે પરંતુ અમારી સાથે જે રહ્યું છે એ છે અદ્ભુત સહાનુભૂતિ, પરસ્પર આદર, દયા અને મિત્રતા. લગ્નજીવનમાં આ સૌથી મહત્ત્વની વસ્તુ છે.’


