પીએમ મોદીનો વૉઇસ ઓવર ટ્રેલરમાંથી હટાવ્યા બાદ તેમણે ચોખવટ કરી
અનુભવ સિંહા
અનુભવ સિંહાની આગામી ફિલ્મ ‘ભીડ’નું ટ્રેલર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે અને એમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વૉઇસ-ઓવર હટાવવામાં આવતાં લોકોએ તેમને ટ્રોલ કર્યા છે, એથી તેમણે ચોખવટ કરી છે કે એવા તો અનેક બદલાવ કરવામાં આવ્યા છે. ૨૪ માર્ચે રિલીઝ થનારી આ ફિલ્મમાં રાજકુમાર રાવ, ભૂમિ પેડણેકર, દિયા મિર્ઝા, આશુતોષ રાણા અને પંકજ કપૂર લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટોરી લૉકડાઉન દરમ્યાન લોકોને જે હાડમારી ભોગવવી પડી હતી એના પર આધારિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વૉઇસ-ઓવર ટ્રેલરમાંથી શું કામ હટાવવામાં આવ્યો એ વિશે પૂછવામાં આવતાં અનુભવ સિંહાએ કહ્યું કે ‘ટ્રેલરમાં ઘણાં બધાં ચેન્જિસ કરવામાં આવ્યાં છે, પરંતુ લોકોને માત્ર આનામાં વધારે ઇન્ટરેસ્ટ છે. દરેક ફિલ્મને અનેક પડકારમાંથી પસાર થવું પડે છે. હું ‘ભીડ’ની સ્ટોરી પરથી લોકોનું ધ્યાન હટાવવા નથી માગતો, કેમ કે એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે.’
સાથે જ તેમને ઍન્ટિ-નૅશનલ કહેવામાં આવે છે એ વિશે અનુભવ સિંહાએ કહ્યું કે ‘હા, મેં પણ અગાઉ સાંભળ્યું હતું કે મને ઍન્ટિ-નૅશનલ કહેવામાં આવે છે. મારી દરેક ફિલ્મો વખતે મને એમ કહેવામાં આવે છે. જોકે હું એનાથી ચોંકતો નથી. હું ભારતને પ્રેમ કરું છું અને એના ઓરિજિનલ આઇડિયા પણ મને ગમે છે. જેને મારા કરતાં ભારત પર વધુ પ્રેમ હોય તેમના પ્રત્યે મને માન હોય છે. એક દેશપ્રેમી હોવાથી હું મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરીશ અને ખાતરી છે કે અન્ય લોકો પણ સારું કામ કરવાનો પ્રયત્ન કરે.’


