Amitabh Bachchan health updates: અમિતાભ બચ્ચને એક નવી બ્લોગ પોસ્ટમાં કહ્યું કે સર્જરી પછી ઘરે પાછા ફરવું તેમના સ્વસ્થ થવાનો સૌથી મુશ્કેલ ભાગ રહ્યો છે; શારીરિક અને માનસિક તાણ વિશેની પોસ્ટે ચાહકોને ચિંતામાં મૂકી અને સ્વસ્થ થવાના પડકારોને પ્રકાશિત કર્યા
અમિતાભ બચ્ચનની ફાઇલ તસવીર
બોલિવૂડ (Bollywood)ના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અવારનવાર તેમના પર્સનલ બ્લોગ પર પોસ્ટ લખીને ચાહકો સાથે પોતાના વિચારો અને અનુભવો શેર કરતા હોય છે. જોકે, તેમની તાજેતરની પોસ્ટે ચાહકોમાં ભારે ચિંતા ઊભી કરી છે. જેમાં તેમણે હોસ્પિટલમાં દાખલ હોવા, સર્જરી કરાવવા, આઈસીયુ (ICU)માં સમય વિતાવવા અને ઘરે પાછા ફરવાના પડકારો વિશે લખ્યું છે.
સર્જરી પછી ઘરે આવીને અમિતાભ બચ્ચને કરી ફેન્સ સાથે વાત
ADVERTISEMENT
દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને સર્જરી કરાવ્યા બાદ પોતાના સ્વાસ્થ્ય અંગે એક ભાવુક અપડેટ શેર કરી છે. તેમણે ખુલાસો કર્યો છે કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી જ તેમની ખરી મુશ્કેલ લડાઈ શરૂ થઈ હતી.
બીગ બીએ નથી જણાવ્યું સર્જરીનું કારણ
સર્જરી શા માટે કરાવવી પડી તે અંગેનું કારણ (Amitabh Bachchan health updates) જાહેર કર્યા વિના, ૮૩ વર્ષીય અભિનેતાએ ૨૧ જુલાઈની વહેલી સવારે શેર કરેલી એક બ્લોગ પોસ્ટમાં રિકવરી દરમિયાન આવતા શારીરિક અને માનસિક પડકારો વિશે વાત કરી હતી.
પોસ્ટમાં બચ્ચને જણાવ્યું કે તેમની સર્જરી અને હોસ્પિટલમાં રોકાણ દરમિયાન કુશળ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની ટીમે તેમની સંપૂર્ણ સંભાળ રાખી હતી, પરંતુ ઘરે પાછા ફર્યા પછી સામાન્ય દિનચર્યામાં ગોઠવાવું એ આ મુસાફરીનો સૌથી પડકારજનક ભાગ સાબિત થયો છે.
‘હોસ્પિટલમાં સર્જરીમાં અને આઈસીયુમાં, કુશળ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ.. રજા મળવી.. અને ઘરે પાછા ફરવું,’ તેમણે લખ્યું.
અભિનેતાએ ઉમેર્યું કે હોસ્પિટલમાંથી રજા મળવી એ મુશ્કેલ તબક્કાનો અંત નહોતો.
‘આ ઘરે પાછા ફરવાનો સમયગાળો શારીરિક, માનસિક અને વ્યવહારિક રીતે સૌથી મુશ્કેલ તબક્કો છે,’ તેમણે લખ્યું.
બચ્ચને રિકવરીના સમયગાળાને શારીરિક રીતે થકવી નાખનારો, માનસિક રીતે ડ્રેઇન કરનારો અને વ્યવહારિક રીતે પડકારજનક ગણાવ્યો હતો. બીમારી કેવી રીતે અચાનક વ્યક્તિનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે તે અંગે વિચાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, આખી જિંદગી પડકારો પર વિજય મેળવનાર વ્યક્તિએ પણ આખરે નબળાઈની ક્ષણોનો સામનો કરવો જ પડે છે.
મુશ્કેલીઓ સામે લડવાની ક્ષમતા અને મનોબળ
બચ્ચને મનોબળ અને સહનશક્તિ વિશે વાત કરતા અવલોકન કર્યું કે દરેક વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિઓમાં અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. કેટલાક લોકો વિપરીત પરિસ્થિતિઓ સામે લડીને વધુ મજબૂત બનીને બહાર આવે છે, તો કેટલાક સંજોગોનો સ્વીકાર કરીને પોતાની રીતે આગળ વધવાનું પસંદ કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આમાંથી કોઈ પણ અભિગમ સાચો કે ખોટો નથી, કારણ કે દરેક વ્યક્તિ મુશ્કેલ તબક્કાનો સામનો પોતાની રીતે કરે છે.
‘તમે એક આદરણીય ચેમ્પિયન હોવ છો અને એક દિવસ હાર તમારી સામે આવીને ઊભી રહી જાય છે.. આ તમારા જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હોય છે.. કેટલાક તેનો બહાદુરીથી સામનો કરે છે.. કેટલાક શરણાગતિ સ્વીકારી લે છે.. જેઓ પ્રયાસ કરે છે અને બહાદુર રહે છે તેઓ હંમેશા ચેમ્પિયન રહે છે.. જેઓ નથી કરી શકતા, તેઓ સમાધાન કરી લે છે અને ભૂતકાળના ગૌરવ સાથે જીવે છે.. આ દરેક વ્યક્તિની પોતાની વ્યક્તિગત પસંદગી છે.. બંનેમાંથી કશું ખોટું નથી,’ તેમણે ઉમેર્યું.
અભિનેતાએ તેમના ચાહકોને સ્વસ્થ રહેવા અને ખુશ રહેવાની અપીલ સાથે પોતાની પોસ્ટ પૂર્ણ કરી હતી.
બચ્ચને સર્જરી કયા કારણે કરાવવી પડી તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી કે પોતાની વર્તમાન સ્થિતિ વિશે વધુ વિગતો આપી નથી. જોકે, તેમની આ તાજેતરની બ્લોગ પોસ્ટે ચાહકોને ખાતરી આપી છે કે તેઓ હવે ઘરે પરત ફરી ચૂક્યા છે અને પોતાની રિકવરી પર ધ્યાન આપી રહ્યા છે.
મહાનાયક અમિતાભ બચ્ચન આજે પણ ભારતીય સિનેમાના સૌથી સક્રિય અભિનેતાઓમાંથી એક છે. સાજા થઈ રહ્યા હોવા છતાં, બચ્ચન તેમની નિયમિત બ્લોગ પોસ્ટ્સ અને સોશિયલ મીડિયા અપડેટ્સ દ્વારા ચાહકો સાથે જોડાયેલા રહે છે, અને પોતાના જીવન તેમજ કામની અપડેટ્સ સાથે અંગત વિચારો શેર કરતા રહે છે.
