થોડા સમય પહેલાં હૉસ્પિટલાઇઝ થયેલા પ્રેમ ચોપડાને આજે પણ અમિતાભ બચ્ચન રોજ આવો મેસેજ કરે છે
ગેટ વેલ સૂન પ્રેમ, હું તારા માટે પ્રાર્થના કરું છું
૯૦ વર્ષના પ્રેમ ચોપડાની તબિયત ગયા વર્ષે નવેમ્બરમાં બગડી એ પછી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ પ્રેમ ચોપડા ઘરે ગયા હતા અને અત્યારે સ્વસ્થ છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે અમિતાભ બચ્ચન વિશે ખાસ વાત કરી અને જણાવ્યું કે મારી બીમારી દરમ્યાન અમિતાભ રોજ મારા હાલચાલ પૂછતા હતા.
ઇન્ટરવ્યુ દરમ્યાન પ્રેમ ચોપડાએ કહ્યું હતું કે ‘જ્યારથી હું બીમાર થયો ત્યારથી રોજ સવારે તેઓ મને ‘ગેટ વેલ સૂન પ્રેમ, હું તારા માટે પ્રાર્થના કરું છું’ એવો મેસેજ કરે છે. મેં તેમને કહ્યું કે હવે હું ઠીક છું, પરંતુ તેઓ હજી પણ પ્રેમથી મેસેજ કરતા રહે છે.’
ગયા વર્ષે નવેમ્બરમાં પ્રેમ ચોપડા મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ થયા હતા. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેમને વાઇરલ ઇન્ફેક્શન અને ઉંમર સંબંધિત સમસ્યાઓ હતી, સાથે જ તેમને શ્વાસ લેવામાં તકલીફ પણ થતી હતી. એ પછી તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા, પણ હવે તેમની તબિયત સારી છે.
