સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૩૬ તાલુકાઓમાં પડ્યો કમોસમી વરસાદ
અમદાવાદમાં ભારે પવનથી વૃક્ષ ઊખડી ગયું હતું.
કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો : ખેતરોમાં ઘઉં, રાયડો, વરિયાળી, બટાટા, કેરી, ચીકુ, દાડમ સહિતના પાકોને ભારે નુકસાન : સોલર પૅનલો, હોર્ડિંગ્સ, ટાવર થયાં ધરાશાયી : સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૩૬ તાલુકાઓમાં પડ્યો કમોસમી વરસાદ
ગુજરાતમાં ગઈ કાલે ભરઉનાળે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાની જુગલબંધીથી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં મુશ્કેલી સર્જાઈ હતી. ખેતરમાં ઊભા પાક પર થયેલા માવઠાના મારથી ગુજરાતના ખેડૂતોને ફરી એક વાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઘઉં, રાયડો, વરિયાળી, બટાટા, કેરી, ચીકુ, દાડમ સહિતના પાકોને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આજે અને આવતી કાલે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૩૬ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. એમાં ૯ તાલુકાઓમાં અડધા ઇંચથી સવા ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો. રાજકોટ તાલુકામાં અને ભેંસાણ તાલુકામાં સાંજે બે કલાકમાં સવા ઇંચ જ્યારે બગસરા, ધોરાજી, ઓખા, ઉપલેટા, લોધિકા, મુંદ્રા, લાલપુરમાં અડધા ઇંચથી વધુ કમોસમી વરસાદ પડ્યો હતો. કચ્છ જિલ્લાના ભુજ, લખપત, નખત્રાણા, માંડવી, અબડાસા, અંજાર ઉપરાંત જૂનાગઢ, કલ્યાણપુર, હળવદ, સાંતલપુર, પડધરી, જસદણ, જામકંડોરણા, કુતિયાણા, બોટાદ, માણિયા, ગોંડલ તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો હતો. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વહેલી પરોઢે અને મોડી સાંજે ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ પડતાં કેટલાંય વૃક્ષો ઊખડી ગયાં હતાં. બીજી તરફ દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ પર ભારે પવન ફૂંકાતાં સહેલાણીઓમાં નાસભાગ મચી ગઈ હતી. તેજ ગતિથી ફૂંકાયેલા પવનને કારણે ક્યાંક સોલર પૅનલો, હોર્ડિંગ્સ અને ટાવર ધરાશાયી થયાં હતાં.
