પોતાની ફિલ્મના દૃશ્યને લઈને ગૂંચવાયા અમિતાભ બચ્ચન
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અમિતાભ બચ્ચને હાલમાં જ સોશ્યલ મીડિયા પર તેમના ચાહકો પાસે માફી માગી છે. અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર એક નાનકડી વિડિયો-ક્લિપ શૅર કરી હતી. આ વિડિયો-ક્લિપ તેમની વર્ષો જૂની ફિલ્મની છે જેમાં બિગ બી દોડી રહ્યા છે. આ ક્લિપ શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી કે ‘અગ્નિપથ’ સે અબ તક ભાગ હી રહે હૈં. અમિતાભ બચ્ચનનો કહેવાનો મતલબ હતો કે તેઓ વર્ષોથી કામ કરી રહ્યા છે અને આજે પણ કામ માટે ભાગદોડ કરી રહ્યા છે. જોકે આ ક્લિપને લઈને તરત જ તેમના ચાહકોએ તેમની ભૂલ તેમને દેખાડી હતી. બિગ બીએ શૅર કરેલી આ ક્લિપ ૧૯૯૧માં આવેલી ‘અકેલા’ની છે. આથી ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘મને માફ કરજો. હું દોડી રહ્યો હોઉં એવી જે પોસ્ટ શૅર કરી છે એ ‘અગ્નિપથ’ની નથી, એ ‘અકેલા’ની છે. મારા શુભેચ્છકોનો આભાર.’

