IPLની ફાઇનલમાં RCB જીતી જતાં થઈ ગયો સુપર ઇમોશનલ
અલ્લુ અર્જુનનો પુત્ર અલ્લુ અયાન
IPL 2025ના ફાઇનલમાં ૩ જૂનની રાત્રે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ જીત મેળવી હતી. ૧૮ વર્ષ બાદ વિરાટ કોહલીની ટીમે IPLની ફાઇનલમાં જીત મેળવી હતી અને આ માટે તેણે પંજાબ કિંગ્સની ટીમને હરાવી હતી. આ જીતની ક્ષણે કૅપ્ટન વિરાટ કોહલીની આંખમાં ખુશીના આંસુ આવી ગયાં અને આખો દેશ તેમની જીતનો ઉત્સવ મનાવવા લાગ્યો. વિરાટના ઘણા ચાહકો પણ તેની જેમ જ ભાવુક થઈ ગયા, જેમાં ‘પુષ્પા 2’ના સ્ટાર અલ્લુ અર્જુનનો દીકરો પણ સામેલ હતો.
અલ્લુ અર્જુનનો પુત્ર અલ્લુ અયાન વિરાટ કોહલીનો ખૂબ મોટો ફૅન છે. આ કારણે જ્યારે RCB જીતી અને વિરાટ કોહલી રડવા લાગ્યો તો અલ્લુ અયાન પણ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યો નહીં અને જમીન પર ઊંધું મોઢું કરીને રડવા લાગ્યો. તેને વિશ્વાસ જ નહોતો આવતો કે તેના હીરો વિરાટ કોહલીએ ૧૮ વર્ષ બાદ IPLમાં જીતનો ઝંડો લહેરાવી દીધો છે.
ADVERTISEMENT
અલ્લુ અર્જુને તેના ૧૧ વર્ષના પુત્ર અયાનનો વિડિયો તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યો છે, જેના પર ચાહકોનાં ખૂબ રીઍક્શન આવી રહ્યાં છે. આ વિડિયોમાં અલ્લુ અર્જુન દીકરા અયાનને પૂછી રહ્યો છે કે શું તું ખુશ છે? પછી તે કહે છે, ‘હું કોહલીને ખૂબ પ્રેમ કરું છું. મને તે ખૂબ ગમે છે. હું ક્રિકેટમાં તેના કારણે જ આવ્યો.’
વિડિયોમાં દેખાય છે કે અયાન જ્યારે ટીવી સ્ક્રીન પર વિરાટ કોહલીને પત્ની અનુષ્કા શર્માને ગળે લગાડતાં જુએ છે તો તે ભાવુક થઈ જાય છે. તે જમીન પર સૂઈને ઊંધું મોઢું કરીને રડવા લાગે છે. આ પછી અયાન માથા પર પાણી રેડતો દેખાય છે અને કહે છે... આખરે ૧૮ વર્ષ બાદ.
અલ્લુ અર્જુનના પુત્ર અયાનને ક્રિકેટ ખૂબ પસંદ છે અને તે ખૂબ નાની ઉંમરથી ક્રિકેટ રમે છે. એવું કહેવાય છે કે તેનું સપનું વિરાટ કોહલી જેવા ક્રિકેટર બનવાનું છે.

