સાઉથનો સુપરસ્ટાર અને નૅશનલ અવૉર્ડ વિજેતા અલ્લુ અર્જુન વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES) 2025માં ભાગ લેવા માટે મુંબઈ પહોંચ્યો હતો
અલ્લુ અર્જુન
સાઉથનો સુપરસ્ટાર અને નૅશનલ અવૉર્ડ વિજેતા અલ્લુ અર્જુન વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES) 2025માં ભાગ લેવા માટે મુંબઈ પહોંચ્યો હતો. આ સમયનો તેનો ઍરપોર્ટનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ફરતી થયેલી આ ક્લિપમાં જોઈ શકાય છે કે અલ્લુ અર્જુનનો એક ફૅન તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે પણ અલ્લુ અર્જુન તેને ના પાડી દે છે. આ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે અલ્લુ અર્જુન તેની કારમાંથી બહાર નીકળે છે ત્યારે એક ફૅન તેની સાથે સેલ્ફી ક્લિક કરવા આગળ આવે છે, પણ ઍક્ટર બહુ શાંતિથી ના પાડી દે છે અને તેનો ખભો થપથપાવીને આગળ નીકળી જાય છે. આ પછી અલ્લુ અર્જુનનો બૉડીગાર્ડ તેને સાઇડ પર કરી દે છે.
અલ્લુ અર્જુનના ફૅન્સની સંખ્યા ઘણી વધારે છે, પણ મોટા ભાગના ફૅન્સને તેનો આ અભિગમ ખાસ પસંદ નથી પડ્યો. જોકે કેટલાક ફૅન્સે તેના પક્ષમાં દલીલ કરતાં કહ્યું છે કે સેલિબ્રિટીઓનું શેડ્યુલ બહુ ટાઇટ હોય છે અને તેમણે આ વાત સમજવી જોઈએ. કેટલાક ચાહકોએ એ વાત પણ નોંધી છે કે અલ્લુ અર્જુન ક્યારેય તેના ફૅન્સને સેલ્ફી માટે પોઝ નથી આપતો.


