અલીશા ચિનૉયને આજે પણ અફસોસ છે કે તેને આ સૉન્ગ માટે ઓછા પૈસા મળ્યા હતા
અલીશા ચિનૉય
અલીશા ચિનૉયે તેની કરીઅરમાં અનેક હિટ ગીતો આપ્યાં છે, પણ તેને આજે પણ અફસોસ છે કે ૨૦૦૫માં આવેલી ફિલ્મ ‘બંટી ઔર બબલી’ના સુપરહિટ ગીત ‘કજરા રે’ ગાવા માટે યશરાજ ફિલ્મ્સે તેને માત્ર ૧૫,૦૦૦ રૂપિયા જેટલી ઓછી રકમ આપી હતી.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં અલીશાએ કહ્યું હતું કે ‘‘કજરા રે’એ લોકપ્રિયતાના અનેક રેકૉર્ડ બનાવ્યા હતા અને આજે પણ આ ગીતને બહુ પસંદ કરવામાં આવે છે. જોકે આ ગીતની સફળતા પછી પણ યશરાજ ફિલ્મ્સ દ્વારા મને આ ગીત માટે બહુ ઓછું વળતર આપ્યું હતું. મને આપવામાં આવેલી રકમ જોઈને મને વિચાર આવ્યો હતો કે શું તેમની નજરમાં સિંગરનું કોઈ મહત્ત્વ જ નથી. હું એ સમયે એક મોટી ગાયિકા હતી. હું વાસ્તવમાં ફિલ્મમાં પ્લેબૅક સિંગિંગ કરવા માગતી નહોતી, પરંતુ મને એહસાને ઑફર કરી એટલે હું તૈયાર થઈ ગઈ. મને ‘કજરા રે’ માટે ફક્ત ૧૫,૦૦૦ રૂપિયા મળ્યા હતા. મને જ્યારે આ રકમનો ચેક મળ્યો ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મેં એ ચેક સ્વીકાર્યો નહીં, પણ તેઓ એ વારંવાર પાછો મોકલતા રહ્યા હતા. મને આ વાત ગમી નહોતી.’


