સોશ્યલ મીડિયા અકાઉન્ટમાંથી હટાવ્યાં દીકરીનાં પિક્ચર્સ, ફોટોગ્રાફર્સને પણ તસવીરો ક્લિક કરવાની ના પાડી દીધી
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટની દીકરી રાહા તેના લુક અને ક્યુટનેસને કારણે બધાની ફેવરિટ બની ગઈ છે. આ કારણે જ રાહાની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થાય છે. જોકે હવે આલિયા ભટ્ટે નિર્ણય કરી લીધો છે કે તે હવે પોતાની દીકરીનો ચહેરો ક્યાંય નહીં દેખાડે. આ કારણે જ હાલમાં આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી પણ રાહાની તમામ તસવીરો ડિલીટ કરી નાખી છે જેમાં તેનો ચહેરો દેખાતો હોય.
તાજેતરમાં નીતુ કપૂરે ફોટોગ્રાફર્સને વિનંતી કરી હતી કે તેઓ રાહાના ફોટો ક્લિક ન કરે અને એ જ રીતે કરીના કપૂરે પણ તેમને બાળકોના ફોટો ન લેવાની સૂચના આપી દીધી છે. કપૂર-પરિવારને અગાઉ પોતાનાં સંતાનોને મીડિયા સામે લાવવામાં કોઈ સમસ્યા નહોતી, પણ હવે તેમનો આ અભિગમ બદલાયો છે અને લાગે છે કે તેમણે બાળકોને લાઇમલાઇટથી દૂર રાખવાનો નિર્ણય કરી લીધો છે.
ADVERTISEMENT
આલિયાની સોશ્યલ મીડિયા પરની પ્રોફાઇલ પર નજર કરવામાં આવે તો એમાં હવે રાહાની કોઈ તસવીર દેખાતી નથી. તેમની જામનગરમાં અનંત અંબાણીનાં લગ્ન વખતની પારિવારિક તસવીરો અથવા પરિવારની વિદેશી ટૂરની પોસ્ટ કરેલી તસવીરો પણ હટાવી દેવામાં આવી છે. આલિયાના આલબમમાં રાહાના ફોટો છે પણ એમાં એવા જ ફોટોને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં રાહાનો ચહેરો નહીં દેખાતો હોય. આલિયાના આ નિર્ણયને તેના ફૅન્સનું સમર્થન મળી રહ્યું છે.
કેટલાક લોકો આલિયાના આ નિર્ણયને સૈફ અલી ખાન પર થયેલા હુમલા અને જેહ-તૈમુરની સુરક્ષા સાથે સાંકળી રહ્યા છે. તાજેતરમાં વાઇરલ થયેલા એક વિડિયોમાં આલિયા મીડિયા સમક્ષ જતી અને તેમને કૅમેરા બંધ કરવાનું કહેતી જોવા મળી હતી, કારણ કે તે ફોટોગ્રાફરો સાથે વાત કરવા માગતી હતી. ફૅન્સ અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ તેણે એ સમયે રાહાના ફોટો ક્લિક ન કરવાની વિનંતી કરી હશે.


