કવિતા ખન્નાએ સ્ટેપ-સન સાથેના પોતાના સંબંધોનો ખુલાસો કર્યો
અક્ષય અને ની સાવકી માતા કવિતા ખન્ના
અક્ષય ખન્ના હાલ સોશ્યલ મીડિયામાં છવાયેલો છે અને ‘ધુરંધર’ની સફળતા વચ્ચે તેની પર્સનલ લાઇફ પણ ચર્ચામાં આવી ગઈ છે. હવે અક્ષયની સાવકી માતા કવિતા ખન્નાએ પણ અક્ષય સાથેના પોતાના સંબંધ વિશે ખુલ્લેઆમ વાત કરી છે.
અક્ષયના પિતા વિનોદ ખન્નાએ બે લગ્ન કર્યાં હતાં. તેમની પહેલી પત્ની ગીતાંજલિ ખન્નાથી અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના છે, જ્યારે બીજી પત્ની કવિતા ખન્નાથી પુત્રી સાક્ષી ખન્ના છે. કવિતા ખન્નાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં અક્ષય સાથેના પોતાના સંબંધ વિશે દિલથી વાત કરી. કવિતાએ જણાવ્યું હતું કે ‘મેં ક્યારેય અક્ષય ખન્નાની મા બનવાનો પ્રયાસ કર્યો નથી, કારણ કે તેની પાસે પહેલેથી જ દુનિયાની સૌથી શ્રેષ્ઠ મા છે.’
વિનોદ ખન્નાએ અક્ષયની માતા ગીતાંજલિ સાથે ૧૯૭૧માં લગ્ન કર્યાં હતાં, પરંતુ ૧૯૮૫માં બન્ને વચ્ચે છૂટાછેડા થયા. રિપોર્ટ્સ અનુસાર આ છૂટાછેડાનું મુખ્ય કારણ વિનોદ ખન્નાનો આધ્યાત્મિકતા તરફ વધતો ઝુકાવ હતો. કહેવાય છે કે પોતાની કરીઅરની ટોચ પર હોવા છતાં વિનોદ ખન્નાએ બધું છોડીને સંન્યાસ લઈ લીધો હતો. તેઓ ઘણાં વર્ષો સુધી પત્ની અને બાળકોને છોડીને ઓશોના પુણેના આશ્રમમાં અને પછી અમેરિકાના ઑરેગૉનમાં રજનીશપુરમ કૉમ્યુનમાં રહ્યા હતા. આ સંજોગોમાં ગીતાંજલિએ વિનોદ ખન્નાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પાછા ન ફર્યા. અંતે પરિસ્થિતિઓને કારણે ગીતાંજલિએ છૂટાછેડાનો નિર્ણય લીધો અને કાનૂની અરજી દાખલ કરી.
અક્ષય કુમારની ફિલ્મમાં અક્ષય ખન્નાની એન્ટ્રી
ADVERTISEMENT
‘ધુરંધર’ની સફળતા પછી હાલમાં અક્ષય ખન્નાની બોલબાલા છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે અક્ષય ખન્નાની એન્ટ્રી અક્ષય કુમારની એક ફિલ્મમાં થઈ છે. હાલમાં જ અક્ષય કુમારની એક મોટી ફિલ્મ ‘ભાગમભાગ 2’નું એલાન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનો પહેલો ભાગ ૨૦૦૬માં રિલીઝ થયો હતો. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે અક્ષય કુમારની આ ફિલ્મમાં અક્ષય ખન્નાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. આમ હવે ‘ભાગમભાગ 2’માં અક્ષય કુમારની સાથે અક્ષય ખન્નાની જોડી જોવા મળશે. આ બન્ને પહેલાં ‘તીસ માર ખાં’માં સાથે જોવા મળ્યા હતા અને તેમની કેમિસ્ટ્રી ફૅન્સને બહુ પસંદ પડી હતી.


