ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલાએ મર્ડર-મિસ્ટરી સાથે જોડાયેલી ખાસ વાત શૅર કરી
ગઈ કાલે મુંબઈમાં ‘હાઉસફુલ 5નું ટ્રેલર લૉન્ચ કરવાની ઇવેન્ટમાં ફિલ્મનો શંભુમેળો. આ પ્રસંગે સંજય દત્ત સદેહે હાજર નહોતો તો તેના કટઆઉટને ઊભું રાખી દેવામાં આવેલું.
અક્ષય કુમાર આગામી ફિલ્મ ‘હાઉસફુલ 5’ સાથે કોમૅડીની દુનિયામાં પાછો ફરવા તૈયાર છે. આ ફિલ્મ ૬ જૂને થિયેટરોમાં રિલીઝ થશે અને એનું ટ્રેલર મંગળવારે એક ભવ્ય ઇવેન્ટમાં નિર્માતાઓએ લૉન્ચ કર્યું. આ ટ્રેલર-લૉન્ચિંગમાં અક્ષયે પોતાની હાજરજવાબીથી બધાનાં દિલ જીતી લીધાં.
ઇવેન્ટ દરમિયાન નિર્માતાઓએ કલાકારોની ફી અને ફિલ્મના બજેટ વિશે જાણવા માગતા એક પત્રકાર સાથે મસ્તીભરી વાતચીત કરી. આ પત્રકારે જ્યારે અક્ષયને ફી વિશે સવાલ કર્યો તો અક્ષયે પોતાની ટ્રેડમાર્ક શૈલીમાં જવાબ આપ્યો, ‘મેં પૈસા લીધા હશે તો હું તને શા માટે કહું? તું અમારો ભત્રીજો છે? મેં ખૂબ સારી રકમ લીધી છે અને ફિલ્મ પણ ખૂબ સારા બજેટમાં બની છે. આજે ખુશીનો દિવસ છે. તારે રેઇડ નાખવી છે? છોડને.’
ADVERTISEMENT
‘હાઉસફુલ 5’ને લગભગ ૩૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે અને એમાં લગભગ ૨૦ કલાકારો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, શ્રેયસ તલપડે, જૅકી શ્રોફ, ડિનો મોરિયા, સંજય દત્ત, નાના પાટેકર, ફરદીન ખાન, જૅકલિન ફર્નાન્ડિસ, નર્ગિસ ફખરી, સોનમ બાજવા, સૌંદર્યા શર્મા, ચિત્રાંગદા સિંહ, ચંકી પાંડે અને જૉની લિવર જેવા કલાકારો કામ કરી રહ્યાં છે.
આ ટ્રેલર-લૉન્ચિંગમાં ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલાએ જણાવ્યું કે ‘હાઉસફુલ 5’ મલ્ટિપલ એન્ડ સાથે દર્શાવવામાં આવશે અને એટલે જ દર વખતે જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે એક અલગ ખૂની જોવા મળશે.
હાઉસફુલ 5ના ટ્રેલર-લૉન્ચમાં અભિષેકની સતર્કતાથી દુર્ઘટના ટળી
હાલમાં ફિલ્મ ‘હાઉસફુલ 5’નું ટ્રેલર લૉન્ચ કરવા માટે ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં અભિષેક બચ્ચનની નજર એક તૂટેલી સીલિંગ પૅનલ પર પડતાં તેણે તાત્કાલિક આ તરફ જવાબદાર અધિકારીનું ધ્યાન દોર્યું હતું અને એને રિપેર કરવાનું જણાવ્યું હતું. અભિષેકે આ તૂટેલી સીલિંગ પૅનલ જોઈને ત્યાં રહેલી મીડિયાની વ્યક્તિઓને બીજી બાજુ હટવા કહ્યું જેથી કોઈને ઈજા ન થાય. અભિષેકની આ સતર્કતાનો વિડિયો હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે.

