પોતાની આ આદત વિશે વાત કરતાં અજયે કહ્યું હતું કે ‘મેં ૧૪ વર્ષની ઉંમરે મિત્રોના દબાણમાં આલ્કોહોલ પીવાનું શરૂ કર્યું હતું.
અજય દેવગન
અજય દેવગને હાલમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેને ૧૪ વર્ષની વયથી શરાબ પીવાની લત લાગી ગઈ હતી અને તેણે માંડ-માંડ એનાથી પીછો છોડાવ્યો છે. અજયે કહ્યું કે પહેલાં તે બહુ શરાબ પીતો હતો પણ હવે બહુ કન્ટ્રોલ કરે છે અને ડ્રિન્કિંગ એક-બે પેગ સુધી મર્યાદિત કરી દીધું છે.
પોતાની આ આદત વિશે વાત કરતાં અજયે કહ્યું હતું કે ‘મેં ૧૪ વર્ષની ઉંમરે મિત્રોના દબાણમાં આલ્કોહોલ પીવાનું શરૂ કર્યું હતું. આ એક એવી વસ્તુ છે જે કેટલાક સમય પછી આદત બની જાય છે. એક વાર શરૂ કર્યા પછી એને છોડવું મારા માટે મુશ્કેલ થઈ ગયું. મારી એક સમસ્યા છે કે હું ગમેતેટલું ડ્રિન્ક કરું પણ મને એનો નશો નથી ચડતો. સાચું કહું તો હું જે કરું છું એને છુપાવતો નથી. હું પહેલાં ઘણું ડ્રિન્ક કરતો હતો અને હું એવી સ્થિતિમાં પહોંચી ગયો હતો જ્યાં હું લોકોને કહી શકતો હતો કે આલ્કોહોલ તેમના માટે બરાબર છે જે મર્યાદામાં ડ્રિન્ક કરે છે અને એ લોકો માટે તો બિલકુલ યોગ્ય નથી જે ક્યારેય ડ્રિન્ક નથી કરતા. મને લાગતું હતું કે હું મારી ડ્રિન્કિંગની લિમિટને પાર કરી ગયો હતો. ત્યાર પછી હું એક વેલનેસ સ્પામાં ગયો અને આ લત છોડી દીધી.’
શરાબની લત છોડ્યા પછી અત્યારની સ્થિતિ વિશે વાત કરતાં અજયે કહ્યું હતું કે હવે તે વૉડકાને બદલે પ્રીમિયમ અને લિમિટેડ-એડિશન મૉલ્ટ પીવાનું વધારે પસંદ કરે છે. આ મૉલ્ટની બૉટલની કિંમત અંદાજે ૬૦ હજાર રૂપિયા છે. ડ્રિન્કિંગ વિશે વોતાના દૃષ્ટિકોણમાં આવેલા પરિવર્તન વિશે વાત કરતાં અજય કહે છે, ‘પહેલાં હું મૉલ્ટ નહોતો પીતો પણ હવે હું મૉલ્ટ પસંદ કરું છું. હવે આ લત નથી પણ એક દિનચર્યા છે જે તમને શાંત કરે છે અને આરામ આપે છે. હું રોજ ભોજન સાથે માત્ર ૩૦ મિલીલીટર મૉલ્ટ લઉં છું. જો બહુ મન થાય તો બે વખત લઈ લઉં છું, પણ આ લિમિટને ક્યારેય ક્રૉસ નથી કરતો.’


