અંધેરી-વેસ્ટમાં ‘સિગ્નેચર બાય લોટસ’ નામના કમર્શિયલ બિલ્ડિંગમાં આ સ્પેસ છે. એક રિપોર્ટ મુજબ તેની નેટ વર્થ ૪૨૭ કરોડ રૂપિયા જેટલી થાય છે.
અજય દેવગન
છેલ્લા કેટલાક સમયથી બૉલીવુડ-સ્ટાર્સ રિયલ એસ્ટેટ બિઝનેસને પણ ગંભીરતાથી લઈ રહ્યા છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે અજય દેવગને અંધેરી-વેસ્ટના ‘સિગ્નેચર બાય લોટસ’ નામના કમર્શિયલ બિલ્ડિંગમાં આવેલી એક ઑફિસ પાંચ વર્ષ માટે લીઝ પર આપી દીધી છે. ૨૫૪૫ સ્ક્વેર ફીટમાં ફેલાયેલી આ ઑફિસ અજયને દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી આપશે.
ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ ડીલનું રજિસ્ટ્રેશન માર્ચ ૨૦૨૫માં કરવામાં આવ્યું હતું અને એ ઑફિસ મે ૨૦૨૫થી એપ્રિલ ૨૦૩૦ સુધી લીઝ પર આપવામાં આવી છે. પ્રથમ ત્રણ વર્ષ માટે આ ઑફિસનું ભાડું ૫.૪૭ લાખ રૂપિયા દર મહિનાનું રહેશે, ત્યાર બાદ બાકીનાં બે વર્ષ માટે એ વધીને ૬.૨૯ લાખ રૂપિયા દર મહિનાના થશે. આ આંકડાને ધ્યાનમાં રાખીને ગણતરી કરીએ તો અજય આ ઑફિસ ભાડે આપ્યા બાદ પાંચ વર્ષમાં ૩.૩ કરોડ રૂપિયાની કમાણી કરશે.
અજયે એપ્રિલ ૨૦૨૩માં ‘સિગ્નેચર બાય લોટસ’ બિલ્ડિંગમાં ત્રણ ઑફિસ-યુનિટ ખરીદ્યા હતા જેની કિંમત ૩૦.૩૫ કરોડ રૂપિયા હતી. એ સિવાય અજય દેવગનની મુંબઈમાં અનેક પ્રૉપર્ટી છે, જેનાથી તેને કરોડોની કમાણી થાય છે. ૨૦૨૪માં પણ તેણે પોતાની એક ઑફિસ ડિરેક્ટર કબીર ખાનને ભાડે આપી હતી અને ૩૪૫૫ સ્ક્વેર ફીટની આ ઑફિસ સ્પેસ કબીર ખાને પાંચ વર્ષ માટે લીઝ પર લીધી હતી અને ૩૦ લાખ રૂપિયા ડિપોઝિટ તરીકે આપ્યા હતા. એ ઑફિસનું ભાડું મહિનાના લાખ રૂપિયા છે.
અજયની નેટ વર્થ ૪૨૭ કરોડ રૂપિયા
અજય દેવગનની અન્ય પ્રૉપર્ટી અને બિઝનેસની વાત કરીએ તો જુહુમાં તેનો ૬૦ કરોડ રૂપિયાનો બંગલો છે. એ ઉપરાંત તેની પાસે જુહુમાં બીજું ઘર ‘શિવશક્તિ’ છે જેમાં તે અત્યારે પરિવાર સાથે રહે છે. એની કિંમત ૪૦ કરોડ રૂપિયા ગણવામાં આવે છે. એ ઉપરાંત અજય પાસે લંડન પાર્ક લેનમાં ૫૪ કરોડ રૂપિયાની પ્રૉપર્ટી છે તથા કર્જતમાં ૨૮ એકર ખેતરની જમીન અને ૬ સીટર પ્રાઇવેટ જેટ છે. એક રિપોર્ટ મુજબ તેની નેટ વર્થ ૪૨૭ કરોડ રૂપિયા જેટલી થાય છે.

